લંડન
બોરિસ જ્હોન્સનનો દાવો છે કે તેમણે શરૂ કરેલી રોજગાર યોજનામાં અઢી લાખ લોકોને નોકરી પ્રાપ્ત થઇ છે પરંતુ આંકડા દર્શાવે છે કે તેમની ફ્લેગશિપ જોબ સ્કીમ સંપુર્ણ નિષ્ફળ રહી છે. બેરોજગારે તેના સામાન્ય વ્યવસાય કરતાં અલગ કામ માટે અરજી કરી ન હોય ત્યાં સુધી ચાર સપ્તાહ બાદ તેને મળતા બેરોજગારી ભથ્થાને સ્થગિત કરીને પાંચ લાખ લોકોને નોકરી આપવાનો ટાર્ગેટ વે ટુ વર્ક સ્કીમમાં મૂકાયો હતો. પરંતુ ગયા સપ્તાહમાં નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર વે ટુ વર્ક સ્કીમનો પ્રારંભ થયાના છ મહિના પહેલાં જ બેરોજગારોની સંખ્યામાં 1,48,000નો ઘટાડો થઇ ચૂક્યો હતો. તે ઉપરાંત મોટી સંખ્યામાં નોકરીઓ પણ ઉપલબ્ધ હતી. તેથી સવાલ એ ઊભો થાય છે કે 2001થી દર વર્ષે 10 લાખ બેરોજગારોને નોકરી મળતી હોવા છતાં સરકારે પાંચ લાખ નોકરીનો ટાર્ગેટ શા માટે રાખ્યો હતો? ઓએનએસે હવે ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શનને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે કે તેમણે આ આંકડો કેવી રીતે નક્કી કર્યો? ઓફિસ ફોર સ્ટેટિસ્ટિક્સ રેગ્યુલેશનના એડ હમ્પરસન કહે છે કે આ યોજના અંગે કોઇ સ્પષ્ટ ખુલાસો કરવામાં આવી રહ્યો નથી. સરકારી યોજનાઓની પારદર્શક સમીક્ષા અત્યંત જરૂરી છે. જાહેર જીવનમાં વિશ્વસનિયતા, ઉચ્ચ ગુણવત્તા અને જાહેર મૂલ્યના સિદ્ધાંતો ખૂબ જ મહત્વના છે અને ડિપાર્ટમેન્ટે આ સિદ્ધાંતોને નેવે ચડાવી દીધા હોય તેમ લાગી રહ્યું છે.


