લંડનઃ કોવિડને કારણે ભારતની નિયત મુલાકાત બે વખત મુલતવી રહ્યા પછી વડા પ્રધાન બોરિસ જ્હોન્સન લાંબા સમય પછી આ સપ્તાહે 21 અને 22 એપ્રિલ - બે દિવસની ભારતયાત્રાએ પહોંચશે. તેઓ ઘરઆંગણાની સમસ્યાઓ બાજુએ રાખી શુક્રવાર - 22 એપ્રિલે નવી દિલ્હી ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અને ડિફેન્સ ક્ષેત્રે સહકારની ચર્ચા કરશે.
સૌથી મહત્ત્વની બાબત એ કહી શકાય કે જ્હોન્સનની ભારતયાત્રાનો પ્રારંભ 21 એપ્રિલે ગુજરાતના અમદાવાદની મુલાકાત સાથે થવાનો છે. યુકેમાં વસતાં બ્રિટિશ ભારતીય સમુદાયમાં ગુજરાતીઓની સંખ્યા લગભગ અડધોઅડધ છે ત્યારે કોઈ પણ બ્રિટિશ વડા પ્રધાનની આ પ્રથમ ગુજરાત મુલાકાત હશે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ભારતની યાત્રાએ જતાં અગાઉ કહ્યું હતું એમ તેમની આ મુલાકાતમાં નોકરીઓ અને આર્થિક વૃદ્ધિ, એનર્જી સિક્યુરિટી, ટેકનોલોજી અને ડિફેન્સ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બંને દેશના લોકોને આ મુદ્દા અસર કરનારા છે. ટોરી સાંસદો યૂક્રેનતરફી આંતરરાષ્ટ્રીય ગઠબંધનના નેતા તરીકે જ્હોન્સનની ભૂમિકા પર ધ્યાન આપી રહ્યા છે પરંતુ, ભારતપ્રવાસ અંગે સરકારના આગોતરાં બ્રીફિંગમાં યૂક્રેનયુદ્ધનો કોઈ ઉલ્લેખ કરાયો નથી.
આ યુદ્ધના કારણે ભારત-રશિયાના ગાઢ સંબંધોમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. રશિયન આક્રમણને વખોડતા યુએન પ્રસ્તાવ પરના મતદાનથી ભારત અળગું રહ્યું છે અને બંને દેશોએ પરસ્પર વેપાર યથાવત રાખ્યો છે.
મુક્ત વેપાર સંધિ અને ઈમિગ્રેશન
મોદી-જ્હોન્સનની બેઠકમાં હાલ વાટાઘાટો હેઠળની યુકે-ભારત મુક્ત વ્યાપાર સંધિ અને ડિફેન્સ પાર્ટનરશિપને આવરી લેવાશે. આ સંધિ હેઠળ 2035 સુધીમાં બંને દેશ વચ્ચેનો વેપાર વધીને 28 બિલિયન પાઉન્ડ થવાની અપેક્ષા છે જેનાથી યુકેની આવકમાં 3 બિલિયન પાઉન્ડનો ઉમેરો થશે.
ગયા વર્ષે પ્રકાશિત કરાયેલા યુકેના ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ એન્ડ સિક્યુરિટી રિવ્યૂમાં યુકેના ઈન્ડો-પેસિફિક ઝોકના ભાગરૂપે ભારત સાથેના સંબંધોને પ્રાધાન્ય અપાયું છે. જ્હોન્સન નવા ઈન્વેસ્ટમેન્ટ્સ તેમજ સાયન્સ, હેલ્થ અને ટેકનોલોજી સંબંધિત સહકારની જાહેરાત કરે તેવી ધારણા છે.
ભારત લાંબા સમયથી ભારતીય વિદ્યાર્થીઓ અને સ્કીલ્ડ વર્કર્સ માટે બ્રિટિશ વિઝા સરળતાથી પ્રાપ્ય બની રહે તેની માગણી કરી રહ્યું છે. જોકે, યુકેમાં આ માગણી વિવાદાસ્પદ ઠરાવાઈ રહી છે. જાન્યુઆરીમાં ભારત પ્રવાસે ગયેલાં યુકે ટ્રેડ સેક્રેટરી એન-મેરી ટ્રેવેલિને ઈમિગ્રેશન સહિત બધી બાબતો મંત્રણાના ટેબલ પર હોવાનું જણાવ્યું હતું.
ભારત મુક્ત વ્યાપાર સંધિઓથી ઘરઆંગણાના ઉદ્યોગોને ખુલ્લા મૂકતા ખચકાય છે. જોકે, તાજેતરમાં જ યુએઈ અને ઓસ્ટ્રેલિયા સાથે મર્યાદિત કરારો થયા છે. બ્રિટિશ ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે પણ ગયા મહિને ભારતની મુલાકાત લઈ રશિયા અને રશિયન હથિયારો પરની નિર્ભરતા ઘટાડવા માટેદબાણ કર્યું હતું.
સ્કોચ વ્હિસ્કીની ટેરિફનો મુદ્દો
યુકે અને ભારત માટે સ્કોચ વ્હિસ્કીની નિકાસનો મુદ્દો મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે. સ્કોચ ઉત્પાદક શિવાઝ બ્રધર્સનું કહેવું છે કે ભારત વ્હિસ્કી પરના ઊંચા ટેરિફ્સ નાબૂદ કરે તો તો ભારતમાં બમણી નિકાસ કરવાનું તેમનું લક્ષ્ય છે.
યુકે માટે દ્વિપક્ષી વેપારમંત્રણામાં આ મુદ્દો મુખ્ય અને કડવાશપૂર્ણ રહ્યો છે. ભારત વ્હિસ્કીનું સૌથી મોટું વપરાશકાર છે અને સ્કોચની નિકાસ માટે બીજા ક્રમનું સૌથી મોટું નિકાસબજાર છે. બ્રિટિશ ઈન્ડસ્ટ્રી ભારત દ્વારા આયાતી સ્પિરિટ્સ પર લગાવાતી 150 ટકાની ટેરિફને ઉદ્યોગના વિકાસ માટે અવરોધરૂપ ગણાવે છે.
યુકે અને ભારત વચ્ચે 2020માં વેપારનું મૂલ્ય18.5 બિલિયન પાઉન્ડ હતું પરંતુ, ગત દાયકામાં વેપાર સ્થગિત રહ્યો છે. આ જ વર્ષમાં યુકે અને બેલ્જિયમ વચ્ચેનો વેપાર 38 બિલિયન પાઉન્ડ હતો. યુકેની કુલ નિકાસના 1.2 ટકા જ ભારતમાં થાય છે અને યુકેના સૌથી મોટા નિકાસબજારોમાં તેનો 21મો ક્રમ છે.
ગયા વર્ષે લંડન અને નવી દિલ્હી વચ્ચે 2030 સુધીમાં વેપાર બમણો કરવાના લક્ષ્યના ભાગરૂપે ઈન્વેસ્ટમેન્ટ અને નોકરીઓને પ્રોત્સાહન આપવા યુકે-ઈન્ડિયા કોમ્પ્રીહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સંમતિ સધાઈ હતી. જોકે, 2024માં યુકે અને ભારતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાય ત્યાં સુધીમાં મુક્ત વ્યાપારસંધિ થઈ જવા બાબતે વિશ્લેષકો શંકા સેવી રહ્યા છે.


