જ્હોન્સનની માતા શાર્લોટ જ્હોન્સન વાહલનું ૭૯ વર્ષની વયે અવસાન

Wednesday 15th September 2021 06:39 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની માતા અને પ્રોફેશનલ પેઈન્ટર શાર્લોટ જ્હોન્સન વાહલનું ૭૯ વર્ષની વયે સોમવારે લંડન હોસ્પિટલમાં અવસાન થયું હતું. વડા પ્રધાને તેમની માતાને પરિવારમાં ‘સુપ્રીમ ઓથોરિટી’ અને તેમનામાં દરેક માનવ જિંદગી માટે એકસમાન મૂલ્ય ધરાવવાના ગુણના યશભાગી ગણાવ્યા હતા. શાર્લોટ જ્હોન્સન વાહલે ૨૦૧૫માં પોતાના સૌથી મોટા પુત્ર જ્હોન્સનને ‘નરમદિલ’ ગણાવ્યા હતા.

૨૦૧૯માં વડા પ્રધાન તરીકે પ્રથમ કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સને સંબોધતા તેમમે ડેલિગેટ્સને કહ્યું હતું કે તેમની માતાએ ‘આ પ્લેનેટ પર દરેક માનવીને સમાન મૂલ્ય, સમાન ગૌરવ અને સમાન મહત્ત્વ’માં માનવાનું શીખવ્યું હતું. તેમણે એ પમ જાહેર કર્યું હતું કે તેમની માતાએ ઈયુ રેફરન્ડમમાં ઈયુ છોડવા માટે મત આપ્યો હતો.

૧૯૭૦ના દાયકામાં યુરોપિયન કમિશન ફોર હ્યુમન રાઈટ્સના પ્રેસિડેન્ટ રહેલા બેરિસ્ટર સર જેમ્સ ફોવિટની પુત્રી શાર્લોટ જ્હોન્સન વાહલે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઈંગ્લિશનો અભ્યાસ કર્યો હતો પરંતુ, ૧૯૬૩માં લગ્ન પછી પતિ સ્ટેનલી જ્હોન્સન સાથે અમેરિકા જવાનું થતાં અભ્યાસ અધૂરો રહ્યો હતો. જે તેમણે પાછળથી પૂરો કરી ડીગ્રી હાંસલ કરી હતી. તેમણે પોર્ટ્રેટ પેઈન્ટર તરીકે નામના મેળવી હતી પરંતુ, લેન્ડસ્કેપ્સ સહિત અન્યો વિષયો પર પણ પેઈન્ટિંગ્સ કર્યાં હતાં.

સ્ટેનલી જ્હોન્સન સાથે લગ્નથી તેમણે ચાર સંતાનો- બોરિસ, જર્નાલિસ્ટ રાચેલ, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જો અને પર્યાવરણવાદી લીઓને જન્મ આપ્યો હતો. તેમણે ૧૯૭૯માં સ્ટેનલી સાથે ડાઈવોર્સ લીધાં હતાં. વડા પ્રધાન જ્હોન્સનનો પુત્ર વિલ્ફ્રેડ તેમનો ૧૩મો ગ્રાન્ડચાઈલ્ડ હતો. લગ્ન દરમિયાન તેઓ મેન્ટ્રલ બ્રેકડાઉનનો શિકાર બન્યાં હતાં અને નવ મહિના સુધી સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. તેમણે આ સમયગાળામાં પોતાની મનોસ્થિતિ દર્શાવતાં ૭૮ પેઈન્ટિંગ્સ કર્યાં હતાં.

તેઓ ૧૯૮૮માં અમેરિકન પ્રોફેસર નિકોલસ વાહલ સાથે લગ્ન પછી ન્યૂ યોર્ક સ્થળાંતર કરી ગયાં હતાં અને ૧૯૯૬માં વિધવા થયાં પછી લંડન પરત ફર્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter