લંડનઃ સ્કોટલેન્ડમાં સગર્ભા પત્ની કેરી અને પુત્ર વિલ્ફ્રેડ સાથે સમર હોલીડે ગાળવા ગયેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને તેમની સિક્યુરિટી ટીમે દરિયામાં તણાઈ જતા બચાવી લીધા હતા. ઓગસ્ટ ૨૦૨૦માં હાઈલેન્ડમાં બીચ ખાતે પેગલિંગ કરી રહેલા જ્હોન્સન દરિયામાં ખેંચાઈ ગયા હોવાનું અહેવાલોએ જણાવ્યું હતું.
ટાઈમ્સના અહેવાલ અનુસાર સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન જળપ્રવાહમાં ખેંચાઈ ગયા હતા પરંતુ, તેમના પ્રોટેક્શન ઓફિસરો તેમને સફળતાપૂર્વક ખેંચી લાવ્યા હતા. આ ઘટના પછી જ્હોન્સને તેમના મિત્રોને એમ જણાવ્યું હતું કે તેઓ હવે કદી સમર હોલીડેઝ ગાળવા સ્કોટલેન્ડ નહિ જાય.આ પ્રવાસમાં કેટલાક સુરક્ષાના મુદ્દાઓ ઉભા થયા હતા અને જ્હોન્સને તેમનો ટેન્ટ છોડી દેવાની ફરજ પડી હતી. સરકારે પ્રવાસીઓ માટે ટ્રાફિક લાઈટ સિસ્ટમના નિયમોમાં ફેરફાર કર્યાના થોડા દિવસોમાં જ્હોન્સનના દુસ્સાહસના સમાચાર બહાર આવ્યા હતા.