લંડનઃ બ્રિટનમાં કોરોના મહામારીએ વર્તાવેલા કેરના પગલે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ મહિનાના અંતે યોજાનારો તેમનો ભારત પ્રવાસ રદ કર્યો છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને ઈંગ્લેન્ડમાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી તેઓ વિશેષ અતિથિ તરીકે નવી દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીની પ્રજાસત્તાક દિનની પરેડમાં ઉપસ્થિત રહી શકે તેમ ન હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. ઈંગ્લેન્ડમાં જે પ્રકારે નવો કોરોના વાઈરસ વેરિઅન્ટ ફેલાઈ રહ્યો છે તેને નજરમાં રાખી નેશનલ લોકડાઉનની જાહેરાત કરાઈ છે.
તેને અનુલક્ષી વડા પ્રધાન જ્હોન્સને કહ્યું હતું કે આ સમયે તેમના માટે યુકેમાં હાજર રહેવું મહત્ત્વનું છે કે જેથી તેઓ વાઈરસ સામે ડોમેસ્ટિક રિસ્પોન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. મોદી અને જ્હોન્સને દ્વિપક્ષી સંબંધોમાં સહભાગી પ્રતિબદ્ધતા અને બંને દેશો વચ્ચે મહામારીનો સામનો કરવા સહિતના ક્ષેત્રે ઘનિષ્ઠ સહકારને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો.
વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે તેઓ ૨૦૨૧ના પૂર્વાર્ધમાં અને નરેન્દ્ર મોદી મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે તે યુકેના જી-૭ સમિટની અગાઉ ભારતની મુલાકાત લઈ શકે તેવી આશા રાખે છે.


