લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ભારતમાં શરુ કરાયેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની મંત્રણાના સંદર્ભે યુકે દ્વારા ભારતીયો માટે ઈમિગ્રેશન નિયમો હળવા કરાશે તેવી અટકળોને ફગાવી દીધી હતી. કન્ઝર્વેટિવ સાંસદ સર એડવર્ડ લેહે કોમન્સમાં આવી રાહતની અટકળો વિશે ચિંતા દર્શાવી ત્યારે વડા પ્રધાને તેના ઉત્તરમાં સ્પષ્ટ કર્યું હતું કે આવા કોઈ ધોરણના આધારે મુક્ત વેપાર સમજૂતી કરાતી નથી.
જમણેરી કન્ઝર્વેટિવ સાંસદ સર લેહે પ્રશ્ન કર્યો હતો કે ભારત સાથે ફ્રી ટ્રેડ સમજૂતી કરવા માટે સરકાર વિઝા નિયંત્રણો હળવાં કરવા વિચારે છે કે કેમ? મુક્ત વેપાર સમજૂતી મૂલ્યવાન છે પરંતુ, આપણે કોઈ ખંડણીના તાબે થવું જોઈએ નહિ. વડા પ્રધાન સહમત થાય છે કે યુરોપથી ઈમિગ્રેશન બંધ કરાવવા બ્રેક્ઝિટ માટે મતદાન કરનારાઓ બાકીના વિશ્વમાંથી વધુ ઈમિગ્રેશન માટે તૈયાર નથી.
આ મુદ્દે વડા પ્રધાન જ્હોન્સને ઉત્તર વાળ્યો હતો કે આપણે આવા કોઈ ધોરણસર ફ્રી ટ્રેડ સમજૂતી કરતા નથી. આપણે ઈમિગ્રેશન કન્ટ્રોલ હાથમાં લઈ લીધો છે. અગાઉ, ગાર્ડિયનના અખબારી અહેવાલોમાં સૂચવાયું હતું કે યુકેના મિનિસ્ટર્સ ભારતીય નાગરિકો માટે ઈમિગ્રેશન નિયમો હળવાં બનાવવા ઉત્સુક છે. ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસનું આ સંભવિત ઓફરને સમર્થન છે જ્યારે મૂળ ગુજરાતી હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ તેનો વિરોધ કરી રહ્યાં છે.

