લંડનઃ પાર્ટીગેટ મામલે તપાસ કરી રહેલી હાઉસ ઓફ કોમન્સની પ્રિવિલેજ કમિટીએ તારણ આપ્યું છે કે બોરિસ જ્હોન્સને પાર્ટીગેટ મામલે જાણીજોઇને સંસદને ગેરમાર્ગે દોરી હતી અને જો તેમણે સંસદસભ્યપદેથી રાજીનામુ ન આપ્યું હોત તો તેમને 90 દિવસ માટે હાઉસ ઓફ કોમન્સમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હોત. પ્રિવિલેજ કમિટીએ ભલામણ કરી છે કે બોરિસ જ્હોન્સનને હાઉસ ઓફ કોમન્સમાંથી રાજીનામું આપનારા સાંસદોને સામાન્ય રીતે અપાય છે તે પૂર્વ સાંસદનો પાસ પણ આપવો જોઇએ નહીં. કમિટીએ એમ પણ જણાવ્યું છે કે જ્હોન્સને તપાસને દબાવવા માટે બદઇરાદાભર્યું અભિયાન ચલાવ્યું હતું અને કમિટીને બદનામ કરવાના પણ પ્રયાસો કર્યાં હતાં.
સાત સભ્યોની બનેલી પ્રિવિલેજ કમિટીમાં સાત સાંસદો છે જેમાં ચાર ટોરી સાંસદોનો સમાવેશ થાય છે. જ્હોન્સન સામેનો ચુકાદો સર્વસંમતિથી લખાયો છે. કમિટીએ જણાવ્યું હતું કે, જ્હોન્સન દ્વારા કરાયેલા ઇનકાર અને સ્પષ્ટતા ગેરમાર્ગે દોરનારા હતા અને તેમણે સંસદની કમિટીને જાણીજોઇને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.


