લંડનઃ સરકાર પર ન્યાયી વળતર ચૂકવવા દબાણ સર્જવા સર એલન બેટ્સે પોસ્ટ ઓફિસ હોરાઇઝન આઇટી સ્કેન્ડલના પીડિતોને સામુહિક પગલાં લેવા અપીલ કરી છે. સર બેટ્સે જણાવ્યું હતું કે, દાવા કરવા માટે જરૂરી ભંડોળ ઊભું કરવામાં હું મદદ કરીશ. જો આપણે પગલાં નહીં લઇએ તો કેટલાંક પીડિતોને વર્ષ 2027ના અંત સુધી પણ વળતર મળવાની શક્યતા નથી.
પીડિત સબ પોસ્ટમાસ્ટરોને લખેલા પત્રમાં સર એલન બેટ્સે જણાવ્યું હતું કે, તમામને ન્યાય મળે તે માટે અદાલતના દ્વાર ખખડાવવા સૌથી ઝડપી વિકલ્પ બની શકે છે. આ પગલાંને સપોર્ટ કરવા હું તમને અપીલ કરું છું.
બેટ્સે સરકાર પર આરોપ મૂક્યો છે કે સરકાર વળતરની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પીડિત સબ પોસ્ટમાસ્ટરો અને તેમના વકીલોની સલાહની અવગણના કરી રહી જાત જાતના બહાના આપી રહી છે. છેલ્લા 6 મહિનામાં સરકાર દ્વારા 66 કેસમાં વળતર અપાયું છે. જો આ રીતે જ વળતર અપાતું રહેશે તો તમામ દાવાનો નિકાલ કરવામાં વર્ષ 2027નો નવેમ્બર મહિનો આવી જશે.