લંડનઃ જેરેમી કોર્બિન પૂર્વ લેબર સાંસદ ઝારા સુલતાના સાથે મળીને નવી ડાબેરી વિચારધારા ધરાવતી રાજકીય પાર્ટી શરૂ કરવા જઇ રહ્યા છે. એક વર્ષ પહેલાં ઝારા સુલતાના લેબર વ્હિપ ગુમાવી ચૂક્યા હતા અને હાલ તેઓ હાઉસ ઓફ કોમન્સમાં અપક્ષ સાંસદ તરીકે સક્રિય છે.
કોવેન્ટ્રી સાઉથના સાંસદ ઝારા સુલતાનાએ જણાવ્યું હતું કે, અન્ય અપક્ષ સાંસદો પણ આ નવી પાર્ટીમાં જોડાઇ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, 14 વર્ષ પછી હું લેબર પાર્ટીમાંથી રાજીનામુ આપી રહી છું. જેરેમી કોર્બિન અને હું નવી રાજકીય પાર્ટીનું સંયુક્ત નેતૃત્વ કરીશું.
ઝારા સુલતાના 2019માં પહેલીવાર લેબર સાંસદ તરીકે ચૂંટાયા હતા. ટુ ચાઇલ્ડ બેનિફિટ કેપ ઉઠાવી લેવાના મામલે તેમણે જુલાઇ 2024માં સરકારની વિરુદ્ધમાં મત આપતાં તેમનો લેબર વ્હિપ હટાવી લેવાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, લેબર પાર્ટી જનતાના જીવન સુધારવામાં સંપુર્ણપણે નિષ્ફળ ગઇ છે. તેના કારણે જ નાઇજલ ફરાજની પાર્ટી પ્રગતિ કરી શકી છે.