લંડનઃ ઝિકા વાયરસના ‘વિસ્ફોટક’ ફેલાવા અંગે ચર્ચા કરવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની તાકીદની બેઠક જીનિવા ખાતે યોજાનાર છે, જેમાં તેને વૈશ્વિક કટોકટી જાહેર કરવી કે નહિ તેનો નિર્ણય લેવાશે. સંસ્થાએ જણાવ્યું છે કે ઝિકાનો ફેલાવો હળવી ધમકીથી ખતરાજનક હાલત તરફ આગળ વધી રહ્યો છે. મોટા ભાગના કેસમાં તેના લક્ષણો સામે આવતાં નથી, પરંતુ બ્રાઝિલમાં આ વાયરસને હજારો બાળકોમાં મગજની અસામાન્ય વિકૃતિઓ સાથે સંકળાયેલો કહેવાય છે. બ્રાઝિલમાં મે ૨૦૧૫માં મચ્છરથી થતો રોગ સૌપ્રથમ દેખાયા પછી આ વાયરસ ૨૦થી વધુ દેશોમાં પ્રસર્યો છે.
ઝિકા વાયરસના ‘વિસ્ફોટક’ ફેલાવાને ‘આંતરરાષ્ટ્રીય ચિંતા સાથેની જાહેર આરોગ્ય કટોકટી’ તરીકે જાહેર કરાય તો તે ગંભીર વૈશ્વિક જોખમ તરીકે ઓળખાશે અને પરિણામે સાઉથ અમેરિકા અને વિશ્વની લેબોરેટરીઓમાં નાણા, સ્રોતો અને વૈજ્ઞાનિક કૌશલ્યનો પ્રવાહ ઉભો કરવાની વાત આગળ આવી શકે છે. અગાઉ, વેસ્ટ આફ્રિકામાં ઈબોલા વાયરસના ફેલાવા સમયે તેના અટકાવ અને કટોકટી જાહેર કરવાના મુદ્દે WHOની ધીમી કામગીરીની ભારે ટીકા થઈ હતી.
ઝિકા વાયરસના લક્ષણો ફ્લુ જેવા જણાય છે, પરંતુ તેમાં કોમ્પ્લિકેશન્સ ઘણા હોય છે. આશરે ૪૦ લાખ લોકો આ વાયરસના શિકાર બને તેવી આગાહી કરાઈ છે અને તે વિશ્વવ્યાપી બનવાનું પણ જોખમ છે. સૌથી મોટી ચિંતા નાના માથા તેમજ નર્વસ સિસ્ટમના દુર્લભ ડિસઓર્ડર ગિલિયન-બારે સિન્ડ્રોમ સાથે જન્મતા બાળકોની સંખ્યામાં ભારે વધારાની છે. વાયરસ અને આ વિકૃતિઓ વચ્ચે કડીને સંપૂર્ણ સમર્થન મળ્યું નથી, છતાં તે શંકાના ઘેરામાં તો છે. WHO દ્વારા વાયરસથી અસરગ્રસ્ત દેશોમાં પ્રવાસ સામે ચેતવણીની જાહેરાત પણ થઈ શકે છે.

