લંડનના આગામી મેયર કોણ હોવા જોઈએ તે અંગે લંડનવાસીઓ એક સપ્તાહમાં પોતાનો મત પ્રદર્શિત કરશે. બે તદ્દન અલગ ઉમેદવારો- લેબર પાર્ટીના સાદિક ખાન અને કન્ઝર્વેટિવ ઝેક ગોલ્ડસ્મિથ વચ્ચે સ્પષ્ટ પસંદગી રહેશે.
સાદિક ખાન એ વ્યક્તિ છે, જેણે એડ મિલિબેન્ડના નેતાપદના અભિયાનનું સંચાલન કર્યું, જેણે એન્ટી-બિઝનેસ ઉશ્કેરણીને વેગ આપ્યો જેના કારણે ગત વર્ષે તેમના પક્ષે પરાજય વેઠવો પડ્યો. સાદિક આ સ્પર્ધામાં જેરેમી કોર્બીનના પણ પ્રતિનિધિ છે. જેરેમી કોર્બીનની IRA પ્રત્યે સહાનુભૂતિ જાણીતી છે, લગભગ દરેક મહત્ત્વના રાજકીય મુદ્દા પરત્વે તેમનું વલણ શંકાસ્પદ છે અને જેણે નરેન્દ્ર મોદીને યુકેની મુલાકાતને પ્રતિબંધિત કરાવવા પ્રયાસ કર્યો હતો. આવી વ્યક્તિને લેબર પાર્ટીના નેતાપદે આરૂઢ થવાની સ્પર્ધામાં સાદિક ખાને ભારે સમર્થન કર્યું હતું.
તમને આ બાબતો તેની વિવેકબુદ્ધિ સામે પ્રશ્ન ઉઠાવવા અપૂરતી લાગે તો સાદિક ખાન કોની સાથે મંચ પર સાથે બેઠા હતા તેના વિશે પણ તમારે જાણવું જોઈએ. આવા લોકોમાં યહુદીઓને સમુદ્રમાં વહાવી દેવા અને દુનિયામાં આગ લગાવી દેવાની હાકલ કરનારા ઘૃણાના ઉપદેશક તેમજ બિન લાદેનના મોત પર આંસુ સારનારા સજા પામેલા ત્રાસવાદીનો પણ સમાવેશ થાય છે.
લંડનના આગામી મેયર વિશ્વના સૌથી મહાન નગરની જવાબદારી સંભાળશે એટલું જ નહિ મેટ્રોપોલિટન પોલીસ તેમજ ત્રાસવાદના સામનામાં તેની કામગીરીની દેખરેખમાં પણ અગ્ર ભૂમિકા ભજવશે. પરંતુ સાદિક ખાને તો પોલીસ સામે કાનૂની કાર્યવાહી કેવી રીતે કરવી તેની સલાહ આપતી ગાઈડના લેખનમાં મદદ કરેલી છે. જો આવી વ્યક્તિને આપણે જવાબદારી સોંપવાના હોઈએ તો તેથી વધુ ખરાબ શું હોઈ શકે?
લંડનને એવા મેયરની જરૂર છે, જે આપણી સમક્ષની વાસ્તવિક ધમકીઓ સામે આપણા સિટીને એકસંપ બનાવે- એવો મેયર નહિ, જે પોતાની રાજકીય કારકીર્દિને આગળ વધારવા ઉગ્રવાદીઓ સાથે એક મંચ પર બેસે. એવી વ્યક્તિ હોય, જે કોમ્યુનિટીઓમાં સંપ વધારવા ઈચ્છે, તેમનું વિભાજન ન કરે. અને હું માનું છું કે ઝેક ગોલ્ડસ્મિથ જ આ વ્યક્તિ છે.
લંડનને એવા મેયરની જરૂર છે, જે આપણી ઈકોનોમીને મજબૂત બનાવી રાખવા આ સરકાર સાથે મળીને કામ કરે- એવી વ્યક્તિ નહિ, જેણે આપણા દેશે જોયેલા સૌથી બિઝનેસવિરોધી લેબર લીડરને સમર્થન આપ્યું હોય. લંડનને નોકરીઓને સલામત રાખવા, આપણા નગરને જરૂર છે તેવા ઘરો અને રોકાણ મેળવવાના એક્શન પ્લાન સાથેના મેયરની જરૂર છે.
ઝેકનો ટ્રેક રેકોર્ડ સિદ્ધાંતવાદી માણસનો છે. એવો માણસ છે જે પોતાની માન્યતાઓને વળગી તેના માટે ખડો રહે છે. આના જ કારણે રિચમન્ડના સારા લોકોએ ગયા વર્ષે તેને ફરી ચૂંટી કાઢ્યો હતો અને દેશમાં કોઈ પણ સીટીંગ સાંસદને બહુમતીમાં ભારે વૃદ્ધિ સાથે આમ કર્યું હતું.
લંડનમાં ૨૦૧૨ની મેયરપદની ગત ચૂંટણીમાં સરસાઈ થોડાં હજાર મતની હતી. બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીના સમર્થનના કારણે જ બોરિસ બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા હતા. અને આગામી સપ્તાહે પણ આપણે આવું જ કરવાની જરૂર છે.
તમારો મત વાસ્તવમાં કિંમતી છે. આપણે આ ચૂંટણીને એવી બનાવીએ, જ્યાં બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીને પોતાનો અવાજ સંભળાવાની ખાતરી મળે. વિભાજકતાને ફગાવીએ અને એકતાને સાથ આપીએ. તમે અવશ્ય મતદાન કરો અને તમારા મિત્રો અને પરિવાર પણ મતદાન કરે તેવી ચોકસાઈ રાખો. આપણા નગરને આગળ લઈ જવા માટે સ્વાભાવિક ઉમેદવાર ઝેક જ છે. મેની પાંચમીએ તેને ભારે સમર્થન આપવા હું તમામ બ્રિટિશ ભારતીયોને અનુરોધ કરું છું.


