લંડનઃ આજના ડિજિટલ યુગમાં મોટાભાગના વ્યવહારો ઓનલાઇન થઇ ગયાં હોવા છતાં હજુ ટપાલ દ્વારા થતો વ્યવહાર મહત્વનો ગણાય છે. ઘણા દસ્તાવેજો માટે ટપાલ પર આધાર રાખવો પડે છે. જો તેની ડિલિવરીમાં વિલંબ થાય તો ઘણા લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. રોયલ મેઇલમાં આ પ્રકારનો વિલંબ જાણે કે સામાન્ય બની ગયો છે. રોયલ મેઇલે કલેક્શન થયાના એક કામના દિવસમાં 93 ટકા ફર્સ્ટ ક્લાસ ટપાલ ડિલિવર કરી દેવાની રહે છે જ્યારે 98.5 ટકા સેકન્ડ ક્લાસ ટપાલ 3 કામના દિવસમાં ડિલિવર કરવાની રહે છે. જો કે રોયલ મેઇલ પોસ્ટ કોડના આ નિયમો અનુસાર ટપાલની ડિલિવરી કરવામાં નિષ્ફળ રહી છે.આ ઉનાળામાં રોયલ મેઇલ ફક્ત 57.5 ટકા ફર્સ્ટ ક્લાસ ટપાલ સમયસર ડિલિવર કરી શકી હતી.
ઘણા લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે રોયલ મેઇલ દ્વારા કોઇપણ વ્યાજબી કારણ વિના ટપાલનું વહેલું કલેક્શન કરી દેવાય છે પરંતુ તેની ડિલિવરીમાં અસામાન્ય વિલંબ થતો રહે છે. રેગ્યુલેટર ઓફકોમ દ્વારા રોયલ મેઇલની કામગીરીની તપાસ ચાલી રહી છે. રોયલ મેઇલ દ્વારા તેની લીગલ ડ્યુટીમાં થતા ઉલ્લંઘન માટે તેને કેટલો દંડ કરવો તે અંગે પણ વિચારણા ચાલી રહી છે. 2016-17થી રોયલ મેઇલ તેની ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ મેઇલની ડિલિવરીના ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. ગયા વર્ષે અસામાન્ય સંજોગોના કારણે ઓફકોમ દ્વારા રોયલ મેઇલને કોઇ દંડ ફટકારવામાં આવ્યો નહોતો. જોકે રેગ્યુલેટરે રોયલ મેઇલને ચેતવણી આપી છે કે મહામારીનું બહાનુ કાઢીને રોયલ મેઇલ આ રીતે તેની કામગીરીમાં લાપરવાહી વર્તી શકે નહીં.


