ટપાલ ડિલિવરીમાં વિલંબ માટે રોયલ મેઇલને 10.5 મિલિયન પાઉન્ડનો દંડ

ગયા વર્ષની સરખામણીમાં દંડની રકમમાં બમણો વધારો

Tuesday 17th December 2024 09:57 EST
 
 

લંડનઃ ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ ટપાલની ડિલિવરીના લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળતા માટે રોયલ મેઇલને 10.5 મિલિયન પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ આજ કારણને લીધે કંપનીને દંડ ફટકારાયો હતો. આ વર્ષે દંડની રકમ બમણી થઇ ગઇ છે. ઓફકોમે જણાવ્યું હતું કે, નબળી સેવાઓના કારણે રોયલ મેઇલ પરથી જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે.
રોયલ મેઇલનીમાલિક ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિઝે જણાવ્યું હતું કે, અમે અમારી કામગીરીમાં સુધારા માટે આ વર્ષે ઘણા બદલાવ કર્યાં છે. ગ્રાહકોને ટપાલની સમયસર ડિલિવરી માટે અમે જરૂરી બદલાવ કરી રહ્યાં છીએ.
જોકે ઓફકોમે જણાવ્યું હતું કે, લાખો ટપાલની ડિલિવરી વિલંબથી થઇ રહી છે. જનતા આ સેવા માટે જે નાણા ખર્ચે છે તેનું તેમને યોગ્ય વળતર મળતું નથી. રોયલ મેઇલે સુધારા યોજના રજૂ કરી છે અને તેમાં થોડી ઘણી પ્રગતિ કરી છે પરંતુ તેણે તેની કામગીરીમાં ઝડપી સુધારા કરવા પડશે.
રોયલ મેઇલની ડિલિવરીમાં ચાલી રહેલા ધાંધિયાના કારણે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના લવાજમી ગ્રાહક મિત્રોને પણ અખબારો મળવામાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. અમારો પ્રયાસ હંમેશા સમયસર પોસ્ટિંગ માટે રહે છે પરંતુ રોયલ મેઇલ દ્વારા થતા વિલંબને કારણે અમારા ગ્રાહકોને અખબારો સમયસર પ્રાપ્ત થઇ શક્તાં નથી.
500 વર્ષમાં પહેલીવાર રોયલ મેઇલ વિદેશી માલિક હસ્તક
છેલ્લા 500 વર્ષમાં પહેલીવાર રોયલ મેઇલને વિદેશી નાગરિકને વેચવામાં આવી રહી છે. ચેક અબજોપતિ ડેનિયલ ક્રેટિન્સ્કાય 3.6 બિલિયન પાઉન્ડમાં રોયલ મેઇલની પેરેન્ટ કંપનીમાં હિસ્સો ખરીદશે. સરકારે આ સોદા માટે મંજૂરી આપી દીધી છે. આ સાથે પોસ્ટલ સેવા પરથી બ્રિટિશ માલિકી દૂર થઇ ગઇ છે. ડેનિયલ ક્રેટિન્સ્કાયનું ઇપી ગ્રુપ 3.6 બિલિયન પાઉન્ડમાં રોયલ મેઇલનું ટેકઓવર કરશે. રોયલ મેઇલની માલિકી, મુખ્યમથકનું સ્થળ અને ટેક્સ રેસિડેન્સી સહિતના કોઇપણ મોટા બદલાવને મંજૂરી માટે સરકાર પોતાનો ગોલ્ડન હિસ્સો કંપનીમાં જાળવી રાખશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter