ટાઇટન સબમર્સિબલની જળસમાધિ, 3 બ્રિટિશ સહિત પાંચના મોત

કેટાસ્ટ્રોફિક ઇમ્પ્લોઝનના કારણે ટાઇટનના ચીંથરા ઊડી ગયાં, બ્રિટિશ અબજોપતિ હેમિશ હાર્ડિંગ, પાકિસ્તાની મૂળના પિતા-પુત્ર શાહજાદા અને સુલેમાન દાઉદનું સાહસ દુર્ઘટનામાં પરિણમ્યું

Tuesday 27th June 2023 13:52 EDT
 
 

લંડનઃ એક સદી પહેલાં એટલાન્ટિક મહાસાગરમાં વિનાશ પામેલા ટાઇટેનિક જહાજના કાટમાળની મુલાકાતે ગયેલી અમેરિકા સ્થિત કંપની ઓસનગેટ એક્સપિડિશન્સની સબમર્સિબલ ટાઇટન અને તેમાં સવાર પાંચ વ્યક્તિનો અકાળે અંત આવી ગયો છે. યુએસ કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર કેટાસ્ટ્રોફિક ઇમ્પ્લોઝનના કારણે સબમર્સિબલ ટાઇટન ટુકડાઓમાં વિભાજિત થઇ ગઇ હતી અને તેમાં સવાર તમામ પાંચ વ્યક્તિના મોત થયાં હતાં. જેના પગલે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી શોધખોળનો અંત આવ્યો હતો.

કેનેડાના જહાજ દ્વારા ટાઇટનની શોધ માટે મહાસાગરમાં ડૂબકી લગાવનારા રોબોટિક ડાઇવિંગ વ્હિકલને ગુરુવારે સવારે ટાઇટેનિકના કાટમાળથી 488 મીટર દૂર ટાઇટનનો કાટમાળ મળી આવ્યો હતો. 22 ફૂટની આ સબમર્સિબલ પાંચ પ્રવાસીઓ સાથે ટાઇટેનિકના કાટમાળની મુલાકાત લેવા રવિવારે સવારે રવાના થઇ હતી. ડૂબકી લગાવ્યાના પોણા બે કલાક બાદ દરિયાની સપાટી પર રહેલા સરફેસ સપોર્ટ શિપ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

ટાઇટન સબમર્સિબલમાં કંપનીના સ્થાપક અને સીઇઓ સ્ટોકટન રશ સહિત પાંચ પ્રવાસીઓ મોજૂદ હતા. અન્ય ચાર પ્રવાસીઓમાં બ્રિટિશ અબજોપતિ હેમિશ હાર્ડિંગ, પાકિસ્તાની મૂળના બ્રિટિશ બિઝનેસમેન શાહજાદા દાઉદ, તેમનો પુત્ર સુલેમાન દાઉદ અને ફ્રેન્ચ ઓસનોગ્રાફર હેન્રી નાર્જિઓલેટનો સમાવેશ થાય છે. હેન્રી આ સ્થળની એક ડઝન કરતાં વધુ વાર મુલાકાત લઇ ચૂક્યા હતા.

ટાઇટન સબમર્સિબલની ભાળ મેળવવા માટેના અભિયાનમાં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ અને બ્રિટનના જહાજો અને વિમાનોએ એટલાન્ટિક મહાસાગરમાં હજારો ચોરસમાઇલનો દરિયો ખૂંદી નાખ્યો હતો.

શું છે કેટાસ્ટ્રોફિક ઇમ્પ્લોઝન

સબમરીનની અંદરનું દબાણ પ્રચંડ બનતાં સબમરીનના ફુરચા ઊડી જાય તેને કેટાસ્ટ્રોફિક ઇમ્પ્લોઝન કહેવામાં આવે છે. ટાઇટન સબમર્સિબલના કિસ્સામાં પણ આવું જ કંઇક બન્યું હતું. આંતરિક દબાણ સીમા વટાવી જતાં તેના ફુરચા ઊડી ગયા હોવાનું માનવામાં આવે છે.

શોકાતૂર પરિવારોને યુકે સરકારની દિલસોજી

બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, ટાઇટન સબમર્સિબલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાના પરિવારજનોને યુકે સરકાર દિલસોજી પાઠવે છે. આ કરૂણાંતિકામાં 3 બ્રિટિશ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો છે. સરકાર દુખિત પરિવારોની પડખે ઊભી છે.

સુલેમાન ફાધર્સ ડે પર પિતાને ખુશ કરવા જ સાહસમાં જોડાયો હતો

શાહજાદા દાઉદની બહેને જણાવ્યું હતું કે, બ્રિટિશ યુનિવર્સિટીનો વિદ્યાર્થી સુલેમાન આ ટ્રીપ પર જવા માગતો નહોતો અને તે ઘણો ભયભીત હતો. તેમ છતાં ફાધર્સ ડે પર પિતાને ખુશ કરવા માટે તે આ સાહસમાં જોડાયો હતો. શાહજાદા દાઉદ આ અભિયાન પર જવા માટે ઘણા ઉત્સુક હતા.

સુરક્ષાના કારણોસર સસ્તી ટિકિટ ઠુકરાવનાર જે બ્લૂમનો બચાવ

લાસ વેગાસમાં ફાઇનાન્સિયર તરીકે કામ કરતા જે બ્લૂમને ઓસનગેટ દ્વારા છેલ્લી ઘડીએ સસ્તા દરે બે ટિકિટ ઓફર કરાઇ હતી પરંતુ સુરક્ષાના કારણોસર તેમણે ઓફર ઠુકરાવી દેતાં પિતા-પુત્રનો આબાદ બચાવ થયો હતો. ઓસનગેટે જે બ્લૂમ અને તેમના પુત્રને અઢી લાખ ડોલરની ટિકિટ દોઢ લાખ ડોલરમાં જ ઓફર કરી હતી પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો.

માતા ક્રિસ્ટિનના બદલે સુલેમાન ટ્રીપ પર ગયો અને મોત મળ્યું....

ટાઇટન સબમર્સિબલમાં માર્યા ગયેલા શેહજાદ દાઉદના પત્ની અને સુલેમાન દાઉદની માતા ક્રિસ્ટિન દાઉદે જણાવ્યું હતું કે, હકીકતમાં તો આ ટ્રીપ પર હું જવાની હતી પરંતુ મેં મારા દીકરાને મારા બદલે મોકલી દીધો હતો. તે આ ટ્રીપ અંગે ઘણો ઉત્સાહી હતો અને એટલાન્ટિક મહાસાગરના તળિયે જઇને રૂબિક ક્યુબ સોલ્વ કરીને વિશ્વ વિક્રમ બનાવવા ઇચ્છતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter