ટાઇટન સબમર્સિબલમાં જીવ ગુમાવનાર શાહજાદા દાઉદના વડવા ગુજરાતી મૂળના

દાઉદ પરિવારના વડવા એહમદ દાઉદનો જન્મ કાઠિયાવાડના બાંટવા ગામ ખાતે થયો હતો

Tuesday 27th June 2023 13:55 EDT
 
 

લંડનઃ ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા ગયેલા દુર્ભાગી પ્રવાસી શાહજાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદના વડવા મૂળ ગુજરાતના હતા. પાકિસ્તાનના સૌથી ધનિક પરિવારોમાં જેમની ગણના થાય છે તા દાઉદ પરિવારના વડવા એહમદ દાઉદનો જન્મ વર્ષ 1905માં બ્રિટિશ શાસન હેઠળના ભારતના કાઠિયાવાડ રજવાડાના બાંટવા ગામ ખાતે થયો હતો. હાલ આ વિસ્તાર ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલો છે. એહમદ દાઉદના પિતા વેપારી હતા. એહમદ દાઉદે 1920માં મુંબઇમાં યાર્નનો બિઝનેસ શરૂ કર્યો હતો.

મેમણ સમુદાય પર લખાયેલા એક પુસ્તક અનુસાર દાઉદ પરિવાર દ્વારા તે સમયે કોટન જિનિંગ પ્રોસેસ ફેક્ટરી ઉપરાંત ઓઇલ મિલ પણ શરૂ કરાઇ હતી. બિઝનેસનો વિસ્તાર થતાં એહમદ દાઉદે કલકત્તા, મદ્રાસ, કાનપુર, મથુરા, લુધિયાણા, દિલ્હીમાં પોતાનો બિઝનેસ વિસ્તાર્યો હતો. ભારતના વિભાજન સમયે દાઉદ પરિવાર બ્રિટન ચાલ્યો ગયો હતો અને થોડો સમય ત્યાં રોકાયા બાદ આ પરિવાર પાકિસ્તાનમાં સ્થાયી થયો હતો. એહમદ દાઉદે પાકિસ્તાનમાં દાઉદ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો પ્રારંભ કર્યો હતો. 1969માં ન્યૂયોર્ક ટાઇમ્સે દાઉદ પરિવારને પાકિસ્તાનનો બીજા ક્રમનો સૌથી અમીર પરિવાર જાહેર કર્યો હતો. તે સમયે તેમની સંપત્તિ 20 કરોડ ડોલર આંકવામાં આવી હતી. તેમની કંપનીઓ કપાસ, ટેક્સટાઇલ્સ, યાર્ન, કેમિકલ્સ, માઇનિંગ, ઇન્શ્યુરન્સ વગેરે ક્ષેત્રે કાર્યરત હતી. ત્યારબાદ આ પરિવારના વંશજો બ્રિટનમાં સ્થાયી થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter