ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓ માટે હવે ઇન્સ્યુલિનનું સાપ્તાહિક ઇન્જેક્શન

લાખો દર્દીઓ માટે રાહતના સમાચાર, દૈનિક ઇન્જેક્શનની પળોજણમાંથી મુક્તિ

Tuesday 25th August 2026 10:42 EDT
 
 

લંડનઃ ટાઇપ 2 ડાયાબિટીસથી પીડાતા લાખો દર્દીઓ માટે એક આશાસ્પદ તબીબી રાહતના સમાચાર સામે આવ્યા છે. દર્દીઓએ દરરોજ લેવા પડતા ઇન્સ્યુલિનના ડોઝના સ્થાને હવે અઠવાડિયામાં માત્ર એક જ વાર ઇન્જેક્શન લેવું પડે તેવી નવી સારવાર પદ્ધતિ વિકસાવવામાં આવી છે. આ નવીન સારવારથી વાર્ષિક ઇન્જેક્શનની સંખ્યામાં 86 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાશે.

આ અઠવાડિયિક ઇન્જેક્શન દરરોજ લેવાતા ઇન્સ્યુલિન જેટલું જ સચોટ અને અસરકારક છે. રોજિંદા ઇન્જેક્શન માટે અન્ય વ્યક્તિ કે કેરટેકર પર નિર્ભર રહેવું પડે છે તેવા વૃદ્ધ દર્દીઓ, દ્રષ્ટિહીન વ્યક્તિઓની જીવનશૈલીમાં આ સાપ્તાહિક ઇન્જેક્શન મોટો બદલાવ લાવશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ દ્વારા આ નવી સારવારને પ્રારંભિક મંજૂરી મળી ગઈ છે. જોકે, નેશનલ હેલ્થ સર્વિસમાં જાહેર ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવતા પહેલાં મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. તબીબી નિષ્ણાતોના મતે આ પગલું ડાયાબિટીસના વ્યવસ્થાપનને સરળ બનાવશે અને દર્દીઓની જીવનશૈલી સુધારવામાં નોંધપાત્ર યોગદાન આપશે.

હવે ફાર્મસીઓમાં વેઇટ લોસ અને ડાયાબિટીસની નવી દૈનિક ગોળી ઉપલબ્ધ

ફાર્મસીઓમાં ડાયાબિટીસના ઉપચાર તેમજ વજન ઘટાડવામાં મદદરૂપ થતી એક નવી દૈનિક પિલ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ફાર્માસિસ્ટ્સના જણાવ્યા અનુસાર, જે દર્દીઓ વજન ઘટાડવા માટે ઇંજેક્શનનો ઉપયોગ કરી શકતા નથી, તેમના માટે આ નિર્ણય અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. જોકે, આ સાથે જ નિષ્ણાતોએ જીએલપી - 1 ટેબ્લેટ્સના નકલી અને બિન-સત્તાવાર વર્ઝન સામે ચેતવણી પણ આપી છે. ચાલુ મહિનાની શરૂઆતમાં જ મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. આ ગોળીને લીલી ઝંડી આપનાર યુકે યુરોપનો પ્રથમ દેશ બન્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter