લંડનઃ એનએચએસમાં ફરજ બજાવતા ડો. રાજીવ રઘુનાથ પર ટાઇમ શિટમાં ગેરરિતીઓ કરીને એનએચએસને 40,000 પાઉન્ડનો ચૂનો લગાવવાનો આરોપ મૂકાયો છે. ડો. રઘુનાથ બનાવટી હસ્તાક્ષર દ્વારા ટાઇમ શિટમાં આઠ કલાક કામ કર્યાનું દર્શાવતા હતા પરંતુ તે સમયગાળામાં તેઓ ભારત, તૂર્કી અને યુએઇમાં વેકેશન માણી રહ્યાં હતાં. એપ્રિલ 2019થી માર્ચ 2021 વચ્ચે માન્ચેસ્ટરના ટ્રેફોર્ડમાં ફરજ બજાવતા ડો. રઘુનાથે ટાઇમ શિટમાં ગેરરિતી આચરીને 8 કલાકની 35 શિફ્ટ પોતાના નામે કરી લીધી હતી. તેમને એક શિફ્ટના 1300 પાઉન્ડ ચૂકવાતા હતા. ફેબ્રુઆરી અને માર્ચ 2021માં તેમણે 20 શિફ્ટ પોતાના નામે કરી લીધી હતી પરંતુ તે સમયગાળામાં તેઓ ભારતમાં હતા.

