ટાટા ગ્રુપના બેટરી પ્લાન્ટ માટે 380 મિલિયન પાઉન્ડની સહાય જાહેર

ટાટાના આ સમરસેટ પ્રોજેક્ટથી 4,200 લોકોને સીધી રોજગારી પ્રાપ્ત થશે

Tuesday 14th April 2026 12:36 EDT
 
 

લંડન: બ્રિટન સરકારે સમરસેટ ખાતે નિર્માણાધીન ટાટા ગ્રુપના વિશાળ બેટરી પ્લાન્ટ માટે 380 મિલિયન પાઉન્ડના ફંડિંગની જાહેરાત કરી છે. નિર્માણ કાર્યમાં થઈ રહેલા વિલંબ છતાં સરકાર આ પ્રોજેક્ટને વેગ આપવા માટે આગળ વધી રહી છે. આ પ્લાન્ટનું સંચાલન ટાટાની પેટા કંપની અગ્રતાસ દ્વારા થવાનું છે. તેના દ્વારા જેગુઆર લેન્ડ રોવરના ઇલેક્ટ્રિક વાહનોને બેટરી ઉપલબ્ધ કરાવાશે.

બ્રિટિશ બિઝનેસ સેક્રેટરી પીટર કાઈલે પ્લાન્ટની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી લાંબા ગાળે 4,200 લોકોને સીધી રોજગારી મળશે. અગાઉ ઉત્પાદન 2026 માં શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ હવે તે 2027 ના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે.

આ પ્લાન્ટ બ્રિટનનો બીજો સૌથી મોટો બેટરી ફેસિલિટી પ્લાન્ટ હશે. તેની ક્ષમતા વાર્ષિક 40 ગીગાવોટ અવર (GWh) હશે, જે લાખો કારો માટે બેટરી બનાવવા માટે પૂરતી છે. હાલમાં પ્લાન્ટનું સ્ટીલ ફ્રેમવર્ક તૈયાર થઈ રહ્યું છે અને કંપનીએ તેની પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવાનો દાવો કર્યો છે.

ટાટા ગ્રુપ માટે આ બ્રિટન સરકાર તરફથી મળેલી બીજી મોટી રાહત છે. અગાઉ, વેલ્સમાં આવેલા સ્ટીલ પ્લાન્ટને ઈકો-ફ્રેન્ડલી બનાવવા માટે પણ સરકારે 500 મિલિયન પાઉન્ડની સહાયની ખાતરી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter