ટાટા દ્વારા ચાર સપ્તાહમાં પોર્ટ ટાલ્બોટ સ્ટીલ પ્લાન્ટનો નિર્ણય

Tuesday 08th November 2016 04:41 EST
 
 

લંડનઃ ટાટા ઉદ્યોગ જૂથના ચેરમેન સાયરસ મિસ્ત્રીને પદથી હટાવી દેવાયા બાદ હંગામી ચેરમેન રતન ટાટા યુકેમાં પોર્ટ ટાલ્બોટ સ્ટીલ પ્લાન્ટના ભાવિનો નિર્ણય ચાર સપ્તાહમાં લેશે તેવાં અહેવાલો છે. રતન ટાટા યુકે સ્ટીલ ઓપરેશન્સ ચાલુ રાખવા ઈચ્છતા હોવાનું કહેવાય છે. ચાર મહિના માટેના હંગામી ચેરમેન રતન ટાટા આખરી નિર્ણય લેતા પહેલા ટાટા સ્ટીલ યુકેની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરશે.

ઉલ્લેખનીય છે કે તેમના ચેરમેનપદે જ ૨૦૦૭માં ભારતીય સ્ટીલ કંપનીએ ૬.૨ બિલિયન પાઉન્ડમાં અગાઉ બ્રિટિશ સ્ટીલના નામે ઓળખાતી કોરસ કંપની હસ્તગત કરી હતી. ટાટા જૂથે માર્ચ મહિનામાં જ યુકે સ્ટીલ બિઝનેસની સમીક્ષાની અને તેના પગલે વેચાણની વિચારણા હાથ ધરતા ટાટા સ્ટીલ યુકે અને તેના ૧૧,૦૦૦ કામદારનું ભાવિ શંકાના દાયરામાં આવી ગયું છે.

આ પછી, ટાટાએ જર્મન કંપની થીસ્સેનકૃપ સાથે તેમના યુરોપિયન સ્ટીલ બિઝનેસના વિલિનીકરણ અંગે વાટાઘાટ ચાલતી હોવાનું જણાવ્યું હતું. સરકાર તેની પેન્શન સ્કીમનું માળખું સુધારે અને સમજૂતી સધાય તો યુકે બિઝનેસના સમાવેશની પણ વાત હતી. જોકે, થીસ્સેનકૃપ સાથે મંત્રણાઓ આગળ વધારનારા મિસ્ત્રીને ચેરમેનપદેથી હટાવી દેવાયા પછી યુકે સ્ટીલ કામદારો વધુ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.

જોકે, હવે રતન ટાટા થીસ્સેનકૃપ સાથે સોદામાં આગળ વધવા અને ૨,૦૦૦ કામદાર ધરાવતા પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટના વેચાણની દરખાસ્તોમાં આગળ વધવું કે કેમ તેનું વિશ્લેષણ કરી રહ્યા છે. રતન ટાટા બે દાયકા કરતા વધુ સમય સુધી ટાટા ગ્રૂપના ચેરમેન હતા તે ગાળામાં તેમણે યુકેમાં જેગુઆર લેન્ડ રોવર, ટેટલી ટી અને કોરસ સહિત સંખ્યાબંધ કંપની હસ્તગત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter