લંડનઃ વેલ્સમાં આવેલા યુકેના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટમાં 1.25 બિલિયન પાઉન્ડના સંયુક્ત રોકાણની યુકે સરકાર અને ટાટા સ્ટીલ દ્વારા જાહેરાત કરાઇ છે. આ રોકાણમાં યુકેની સરકાર દ્વારા 500 મિલિયન પાઉન્ડનું રોકાણ કરાશે. યુકે સરકાર દ્વારા અપાયેલા સૌથી મોટા સપોર્ટ પેકેજ પૈકીના એકમાં પોર્ટ તાલબોટ ખાતે આવેલા સ્ટીલ પ્લાન્ટમાં ટાટા સ્ટીલ દ્વારા ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ દ્વારા સ્ટીલનું ઉત્પાદન કરાશે જેના પગલે બ્રિટનમાં કાર્બન ઉત્સર્જનમાં 1.5 ટકાનો ઘટાડો થશે.
આ કરારને પગલે વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, યુકેના પોલાદ ઉદ્યોગ માટે આ એક મોટો દિવસ છે. અમે હજારો બ્રિટિશ નોકરીઓ બચાવવા અને વેલ્સમાં સ્ટીલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય સુરક્ષિત કરવા ટાટા સ્ટીલ સાથે 1.25 બિલિયન પાઉન્ડનું સંયુક્ત રોકાણ કરવા સહમત થયાં છીએ. હવે પછી ટાટા ગ્રુપ દ્વરા 4 બિલિયન પાઉન્ડનું રોકાણ કરાશે જેના કારણે 4000 નોકરીઓનું સર્જન થશે.
યુકેના બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોકે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અપાયેલું આ ઐતિહાસિક સપોર્ટ પેકેજ છે. તેનાથી ન કેવળ વેલ્સમાં સ્કીલ્ડ નોકરીઓ સુરક્ષિત બનશે પરંતુ સાથે સાથે યુકેના અર્થતંત્રને વેગ મળશે.
બ્રિટિશ ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, યુકેમાં સ્ટીલ ઉત્પાદન જાળવી રાખવા માટેનો આ પ્રસ્તાવ સીમાસ્થંભ સ્વરૂપ ક્ષણ છે. તેનાથી આર્થિક વૃદ્ધિને વેગ મળશે, કાર્બન ઉત્સર્જન ઘટશે અને નવી નોકરીઓનું સર્જન થશે. સરકાર વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને સંરક્ષણ આપવા સાચી દિશામાં કામ કરી રહી છે.
ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, સ્ટીલ ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય માટેની આ એક નોંધપાત્ર ક્ષણ છે. યુકે સરકાર સાથે મળીને કામ કરવાનો અદ્દભૂત લહાવો ઉપલબ્ધ થયો છે.

