લંડનઃ પોર્ટ તાલબોટ ખાતેના સ્ટીલ પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક ફરનેસની સ્થાપના માટે કામકાજ બંધ કરવાના ટાટા સ્ટીલના નિર્ણયને કારણે સેંકડો કર્મચારીની નોકરી જોખમમાં આવી પડી છે. ટાટા સ્ટીલના આ નિર્ણયનો વિરોધ કરવા સેંકડો કર્મચારી સડકો પર ઉતરી પડ્યાં હતાં. ટાટા સ્ટીલના જણાવ્યા અનુસાર પોર્ટ તાલબોટ ખાતેના પ્લાન્ટના 1929 કર્મચારી નોકરી ગુમાવશે અને સમગ્ર યુકેમાં 2423 કર્મચારીને છૂટા કરાશે.
પોર્ટ તાલબોટમાં દેખાવો કરતાં પહેલાં લાનવેર્ન સાઇટ ખાતે સેંકડો કર્મચારી દ્વારા માર્ચનું આયોજન કરાયું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં કર્મચારી પોર્ટ તાલબોટ ખાતે એકઠા થયાં હતાં. ન્યૂપોર્ટ વેસ્ટના સાંસદ રૂથ જોન્સે જણાવ્યું હતું કે, અમે ફક્ત આજની નોકરીઓ માટે નહીં પરંતુ ભવિષ્યની નોકરીઓ માટે લડત ચલાવી રહ્યાં છીએ. સ્થાનિક લોકો પણ કર્મચારીઓના આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. ટાટા સ્ટીલ દ્વારા લેવાયેલા નિર્ણયોની લાંબાગાળાની અસર અમારા સ્થાનિક લોકો પર પણ પડશે.
બીજીતરફ પોર્ટ તાલબોટમાં કાર્યરત યુનિયનોએ હડતાળ માટેના કર્મચારીઓમાં મતદાનની જાહેરાત કરી છે. મતદાન બાદ હડતાળ અંગેના નિર્ણય લેવાશે.


