ટાટા સ્ટીલના વર્કર્સે પેન્શનમાં કાપ સ્વીકાર્યોઃ સ્કીમ બંધ કરાશે

Wednesday 22nd February 2017 05:28 EST
 
 

લંડનઃ યુકેમાં ટાટા સ્ટીલના વર્કર્સે મતદાન થકી એક ઐતિહાસિક નિર્ણય લઈને તેમના ૧૫ બિલિયન પાઉન્ડના પેન્શન ફંડને બંધ કરવાનું સ્વીકાર્યું છે. તેમના આ પગલાથી હજારો નોકરીઓ બચાવવામાં તેમજ બ્રિટિશ સ્ટીલ ઈન્ડસ્ટ્રીની કટોકટીના નિવારણમાં મદદ મળશે. હવે બ્રિટિશ સ્ટીલ પેન્શન સ્કીમમાં વધુ ફાળો લેવાનું બંધ કરાશે. ટ્રેડ યુનિયનના હજારો સભ્યોએ ટાટા સ્ટીલ દ્વારા તેના બ્રિટિશ ઓપરેશન માટે ઓફર કરાયેલા બચાવ પેકેજને સમર્થન આપ્યું હતું.

બ્રિટિશ સ્ટીલના ૧૩૦૦૦ સભ્યોમાં ૧૩માંથી માત્ર એક સભ્ય હજુ ફાળો ચુકવતા હોવાથી આ ફંડ ખોટ કરતા બિઝનેસ માટે નાણાકીય બોજો બની રહેવા ઉપરાંત, ખરીદાર શોધવામાં અવરોધક બની રહ્યું હતું. આ સ્કીમને ટાટા સ્ટીલ યુકેની બેલેન્સશીટથી અલગ ન કરાય તો જર્મનીના થીસ્સેનકૃપ જૂથ સાથે ટાટાની યુરોપિયન સ્ટીલ એસેસ્ટ્સના સંભવિત મર્જરની શક્યતા આગળ વધે તેમ નથી. કોમ્યુનિટી, યુનાઈટ અને જીએમબી યુનિયનોના ૭૫ ટકા સભ્યોએ પેકેજને ટેકો આપ્યો હતો.

સાઉથ વેલ્સના પોર્ટ ટાલ્બોટ સ્ટીલવર્ક્સમાં પ્લાન્ટના આધુનિકીકરણ માટે ૧૦ વર્ષમાં એક બિલિયન પાઉન્ડનું ઈન્વેસ્ટમેન્ટ અને નોકરીઓ અંગે ખાતરી તેમજ બંને બ્લાસ્ટ ફર્નેસ ઓછામાં ઓછી ૨૦૨૧ સુધી કાર્યરત રાખવાં સહિતની દરખાસ્તો મૂકાયેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter