ટામેટાં, કેપ્સિકમ, કાકડી પર રેશનિંગ લદાયું

સુપરમાર્કેટોએ ટામેટા, કેપ્સિકમ, કાકડી, લેટસના વેચાણ પર ગ્રાહકદીઠ મર્યાદા લાગુ કરી, સલાડ અને શાકભાજીની અછત એક મહિના સુધી જારી રહે તેવી સંભાવના – થેરેસા કોફી

Tuesday 28th February 2023 14:05 EST
 
 

લંડન

યુકેમાં ભારે અછત સર્જાતાં સૌથી મોટા સુપર માર્કેટ ટેસ્કો, અસદા, આલ્ડી અને મોરિસન્સ ખાતે કેટલાંક ફળફળાદિ અને શાકભાજીનું વેચાણ મર્યાદિત કરી દેવાયું છે. યુકે સરકારે જણાવ્યું છે કે યુરોપ અને આફ્રિકામાં ખરાબ હવામાનના કારણે દેશમાં શાકભાજી અને ફળોની અછત સર્જાઇ છે. તે ઉપરાંત વીજળીની ઊંચી કિંમતોના કારણે યુકે અને નેધરલેન્ડના ગ્રીન હાઉસોમાં શાકભાજી અને ફળોના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે.

યુકેના મોટા સુપરમાર્કેટોએ જણાવ્યું છે કે ટામેટાં, સીમલા મરચાં અને કાકડીના વેચાણ પર ગ્રાહક દીઠ મર્યાદા નક્કી કરાઇ છે. અસદાએ લેટસ, સલાડ બેગ, બ્રોકોલી, ફ્લાવર, રાસબેરી, પનનેટ્સના વેચાણ માટે પણ ગ્રાહક દીઠ મર્યાદા લાદી દીધી છે. મોરિસન્સ ખાતે કાકડી, ટામેટા, લેટસ અને સીમલા મરચાં પર રેશનિંગ લાદ્યું છે. ટામેટાં અને સીમલા મરચાંની અછત સૌથી વધુ વર્તાઇ રહી છે.

યુકે તેની જરૂરીયાતના 95 ટકા ટામેટાં અને 90 ટકા લેટસની આયાત મુખ્યત્વે સ્પેન અને ઉત્તર આફ્રિકાના દેશોમાંથી કરે છે. પરંતુ સ્પેનમાં અસામાન્ય ઠઁડી અને મોરક્કોમાં પૂરના કારણે પાકને નુકસાન થતાં યુકેની ટામેટાંની આયાતમાં મોટો ઘટાડો થયો છે. મોરક્કોએ ફેબ્રુઆરીના પ્રારંભથી જ પશ્ચિમ આફ્રિકાના દેશોમાં થતી ટામેટા, ડુંગળી અને બટાટાની નિકાસ પર રોક લગાવી દીધી છે અને હવે યુરોપમાં થતી નિકાસ પર રોક લગાવવાની વિચારણા કરી રહ્યો છે.

જનતાને થોડો સમય કંદમૂળ ખાવા પર્યાવરણ મંત્રીની સલાહ

યુકેના પર્યાવરણ મંત્રી થેરેસા કોફીએ જણાવ્યું હતું કે, દેશમાં સલાડ અને શાકભાજીની અછત એક મહિના સુધી જારી રહેવાની સંભાવના છે. અમે આ અછતને દૂર કરવા માટે અલગ અલગ સ્ત્રોતની વિચારણા કરી રહ્યાં છીએ. પર્યાવરણ વિભાગ રિટેલર્સ અને સુપર માર્કેટો સાથે ચર્ચા કરી રહ્યો છે. કેબિનેટમાં પણ આ અંગે ચર્ચા કરાશે. કોફીએ બ્રિટનની જનતાને થોડા સમય માટે કંદમૂળ અને સીઝનલ શાકભાજી ખાવા માટે પણ સલાહ આપી હતી.

વીજળીની ઊંચી કિંમતો ખાદ્યપદાર્થોની અછત માટે જવાબદાર

કેટલાક લોકો ટામેટા, તાજાં ફળ અને શાકભાજીની અછત માટે બ્રેક્ઝિટને જવાબદાર ગણાવે છે પરંતુ યુકેના ઉત્પાદકો વીજળીની ઊંચી કિંમતોને પણ જવાબદાર ઠેરવી રહ્યાં છે. યુકેમાં ટામેટાંનું મોટાભાગનું ઉત્પાદન ગ્રીનહાઉસમાં થાય છે અને તેના માટે વીજળીના મોટા વપરાશની જરૂર પડે છે. વીજળીની ઊંચી કિંમતને કારણે ખાતરની કિંમતોમાં પણ મોટો વધારો નોંધાયો છે. ખેડૂતોનો આરોપ છે કે 2019 પછી ખેતીના ખર્ચમાં 50 ટકાનો વધારો થયો છે.

મુખ્યત્વે શાકાહારી એશિયન સમુદાયને સૌથી વધુ અસર, અન્ય વિકલ્પો અપનાવવા સલાહ

ટામેટાં સહિતના શાકભાજીની અછતની સૌથી વધુ અસર મુખ્યત્વે શાકાહારી એવા ભારતીય સમુદાય પર વધુ પડી રહી છે. ભારતીય પરિવારોમાં ટામેટાં વિનાનું ભોજન કલ્પી શકાતું નથી. ભારતીય અને એશિયન વાનગીઓ પીરસતાં રેસ્ટોરન્ટ પણ મુશ્કેલીમાં આવી ગયાં છે. ન્યુટ્રિશનાલિસ્ટ રોહિણી બાજેકાલ કહે છે કે અછતની આવી સ્થિતિમાં અન્ય વિકલ્પો અપનાવવા સલાહભર્યાં છે. આવા સમયમાં ફ્રોઝન ફ્રુટ અને વેજિટેબલ્સ ઉપયોગી નીવડી શકે છે. તેઓ સમાન પોષણ આપવાની સાથે કરકસરયુક્ત પણ છે. ટામેટાના સ્થાને કેનમાં પેક કરાયેલા ટામેટાં અને ટોમેટો પેસ્ટનો ઉપયોગ કરી શકાય. કર્નલ સાબ રેસ્ટોરન્ટના રૂપપ્રતાપ ચૌધરી કહે છે કે અપુરતા પૂરવઠાના કારણે રેસ્ટોરન્ટ બિઝનેસ પર અસર પડી શકે છે. રેસ્ટોરન્ટ યોગર્ટ બેઝ્ડ ગ્રેવીનો ઉપયોગ કરીને અછતનો સામનો કરી શકે છે કારણ કે તેઓ વેજિટેબલ માર્કેટ પર આધારિત નથી. શામીઝ કિચનના શર્મિષ્ઠા રોય કહે છે કે અમે હાલ તો ઇન્ડિયન અને શ્રીલંકન સ્ટોરમાંથી ખરીદી કરી રહ્યાં છીએ પરંતુ જો અછત મોટી બનશે તો અમે અમારા ગ્રાહકોને વૈકલ્પિક વાનગીઓ ઓફર કરીશું. અમે મોટા જથ્થામાં ટામેટાંને ફ્રીઝ કરી રાખીએ છીએ અને હાલ તેનો ઉપયોગ કરી રહ્યાં છીએ.

પિત્ઝામાંથી ટામેટાં ગાયબ

ટામેટાંની અછત અને વધી રહેલી કિંમતોને ધ્યાનમાં લેતાં ઇટાલિયન રેસ્ટોરન્ટોએ તેમના મેનૂમાંથી પોમોડોરોની બાદબાકી કરી નાખી છે. ટામેટાંની કિંમત પાંચ પાઉન્ડ પ્રતિ બોક્સ વધીને 20 પાઉન્ડ પર પહોંચી છે. કેનમાં પેક ટામેટાંની કિંમત પણ બમણી થઇ છે. તેના કારણે યુકેના કેટલાંક રેસ્ટોરન્ટ હવે ટામેટાં વિનાના જ પિત્ઝા ઓફર કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter