લંડનઃ એજ્યુકેશન સેક્રેટરી નધીમ ઝાહાવીએ કરેલી 9 ટકા વેતન વધારાની ઓફર ટીચર્સ યુનિયને ફગાવી દીધી છે. બળવાખોર સભ્યોએ કહ્યું છે કે આ ઓફર તેમણે કરેલી વધારાની માગણીની નજીક પણ આવતી નથી. આ સાથે તેમણે સ્ટ્રાઈકની વધુ ધમકીઓ પણ ઉચ્ચારી હતી.
એજ્યુકેશન સેક્રેટરી ઝાહાવીએ ઓટમમાં શૈક્ષણિક હડતાળો અટકાવવા ચાન્સેલર સુનાક પાસે વધુ રકમની માગણી કર્યા પછી શિક્ષકોને 9 ટકાના વેતન વધારાની ઓફર કરી હતી. જોકે, NEUના જનરલ સેક્રેટરી મેરી બાઉસ્ટેડે બીબીસી રેડિયો4ના ટુડે પ્રોગ્રામને જણાવ્યું હતું કે ફૂગાવાને ધ્યાનમાં લઈએ તો આ ઓફર પગારમાં કાપની જ છે. અગાઉ ઝાહાવીએ કહ્યું હતું કે ઈંગ્લેન્ડમાં 130,000 જુનિયર ટીચર્સના વેતનવધારા માટે નાણાની વ્યવસ્થા કરવા વિનંતી કરવી તેમ અયોગ્ય ગણાશે. NASUWT ટીચર્સ યુનિયને પણ 12 ટકાથી ઓછો પગારવધારો થાય તો હડતાળ માટે નવેમ્બરમાં અને નેશનલ એજ્યુકેશન યુનિયને (NEU) ઓક્ટોબરમાં મતદાન યોજવાની ચેતવણી ઉચ્ચારી છે.

