ટીનએજર્સમાં અભ્યાસની સાથે કમાણીના વલણમાં બદલાવ

Thursday 16th January 2020 01:56 EST
 
 

લંડનઃ ગત ૨૦ વર્ષમાં કામ કરતા તરુણોની સંખ્યા લગભગ અડધી થઈ હોવાનું થિન્કટેન્ક રેઝોલ્યુશન ફાઉન્ડેશનના રિપોર્ટમાં કહેવાયું છે. રિપોર્ટ અનુસાર યુવાનો પાર્ટ-ટાઈમ કામના બદલે અભ્યાસને વધુ મહત્ત્વ આપી રહ્યા છે. ૧૯૯૭-૯૯ના ગાળામાં કામ કરતા ૧૬-૧૭ વયજૂથના યુવાનોની સંખ્યામાં ૪૮ ટકા ઘટાડો ૨૦૧૭ અને ૨૦૧૯ના ગાળામાં જોવા મળ્યો છે.

થિન્કટેન્ક કહે છે કે કદી કામ કર્યું ન હોય તેવા લોકોની સંખ્યા ગત ૨૦ વર્ષના ગાળામાં ૫૨ (બાવન) ટકા વધી છે. ૧૬-૬૪ વયજૂથના ૮.૨ ટકા અથવા તો ૩.૪ મિલિયન લોકોએ કદી સવેતન નોકરી કરી નથી. ૧૯૯૮માં આ ટકાવારી ૫.૪ ટકાની હતી. ઓક્ટોબર ૨૦૧૯ સુધીના ગાળામાં યુકેની બેરોજગારીનો દર ૧૯૭૫ પછી સૌથી તળિયે પહોંચ્યો હતો.

રેઝોલ્યુશન ફાઉન્ડેશનના લૌરા ગાર્ડનરે જણાવ્યું હતું કે,‘કદી સવેતન નોકરી નહિ કરનારા લોકોની સંખ્યામાં ‘ટીનએજ સેટરડે જોબ’ના મોતના કારણે વધારો થયો છે અને અભ્યાસની સાથે કમાણીનું વલણ બદલાયું છે. અગાઉના જનરેશનોની સરખામણીએ વર્તમાનમાં કામકાજનો સમય જીવનમાં લંબાયો છે ત્યારે યુવાનો કામકાજની શરૂઆત પણ મોડી જ કરે છે. જોકે, કારકીર્દી બરાબર જામે તે પહેલા જ જીવનમાં માતૃત્વ અને બીમારી જેવાં અન્ય સીમાચિહ્નો આવી જાય તો કામકાજના અનુભવનો અભાવ લાંબા ગાળાની સમસ્યાઓ સર્જી શકે છે.’

મિસ ગાર્ડનરે ઉમેર્યું હતું કે,‘આપણામાં વધુ અને વધુ લોકો કામ કરી રહ્યા છે, રોજગારી વિક્રમસર્જક રહી છે અને બેરોજગારી તળિયે પહોંચી રહી છે છતાં વર્કિંગ-એજના ૧૨માંથી એક વયસ્કે તેમના જીવનમાં એક દિવસ પણ કામ કર્યું હોતું નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter