ટીનેજરના પેટમાંથી વાળનો દોઢ ફૂટ લાંબો ગુચ્છો કઢાયો!

Thursday 25th February 2021 05:38 EST
 
 

લંડનઃ ઈંગ્લેંડમાં ડૉક્ટરની ટીમે ૧૭ વર્ષની ટીનેજરની હોજરીમાંથી દોઢ ફૂટ (૧૯ ઈંચ-૪૮ સેન્ટિમીટર્સ)નો લંબગોળ આકારનો વાળનો ગુચ્છો કાઢ્યો છે. આ તરુણીએ પોતાના જ વાળ ખાઈને જીવ જોખમમાં મૂક્યો હતો અને હાલ તેની તબિયત સારી છે. આ દર્દી રેપુન્ઝલ સિન્ડ્રોમથી પીડિત છે. આ રેર કન્ડિશનમાં માણસ પોતે જ પોતાના વાળ ખાય છે. આગળ જતા તે કેટલું ગંભીર બનશે તેની દર્દીને પણ ખબર હોતી નથી.

બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ કેસ રિપોર્ટ્સ)માં ૯ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ કરાયેલા કેસમાં ટીનેજરનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. પેશન્ટ બે વખત ચક્કર ખાઈને પડી જતા તેને ચહેરા પર માથામાં ઇજા થઇ હતી. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. માથામાં ઇન્જરી જોવા CT સ્કેન કરવામાં આવતા તેનો રિપોર્ટ જોઈને ડૉક્ટર્સ ચકિત થઈ ગયા હતા. તેના પેટમાં વાળનો લંબગોળ આકારનો વિશાળ ગુચ્છો હતો. આ ગુચ્છાએ હોજરીની દીવાલમાં કાણું પાડ્યું હતું. તેને લીધે ટીનેજરને છેલ્લા ૫ મહિનાથી પેટમાં દુઃખાવો થતો હતો. જોકે તેણે આ વિશે કોઈને જણાવ્યું ન હતું. આ વાળનો ગુચ્છો તેના પેટના અંગોને ચોંટી ગયો હતો. તેનું ઓપરેશન ઇંગ્લેન્ડના નોટિંગહામની કવીન્સ મેડિકલ સેન્ટરમાં થયું. ડૉક્ટરે કહ્યું, વાળનું ગૂંચળું એટલું વિશાળ હતું કે તે આખા પેટમાં ફેલાઈ ગયું હતું. આ તરુણી ટ્રાઈકોટિલ્લોમેનિયા (trichotillomani) પોતાના જ વાળ ખેંચી નાખવાની તીવ્ર લાગણી અને વાળ ખાઈ જવાની અદમ્ય ઈચ્છા ટ્રાઈકોફેજિયા (trichophagia), એમ બે માનસિક આરોગ્ય ડિસઓર્ડર્સથી પીડાય છે

સર્જરી પછી તેને ICUમાં રાખવામાં આવી હતી. એક અઠવાડિયાં પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ત્યારબાદ તેને એક મહિના માટે સાઇક્યાટ્રિસ્ટ પાસે સારવાર માટે મોકલવામાં આવી હતી. હાલ તે ધીમે-ધીમે સાજી થઇ રહી છે.

૧૩-૨૦ વયજૂથના લોકોમાં આ બીમારીનું પ્રમાણ વધારે હોય છે. વાળ ખાવાથી શરીરમાં ઘણા ગંભીર કોમ્પ્લિકેશન આવી શકે છે. મેયો ક્લિનિકના જણાવ્યા મુજબ વાળ ખાવાથી આંતરડામાં અવરોધ અને મોત સહિત ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. વર્ષ ૨૦૧૭માં ઈંગ્લેન્ડમાં ૧૬ વર્ષની એક છોકરીનું હોજરીમાં વાળના ગુચ્છાથી ગંભીર ઈન્ફેક્શન થતાં રેપુન્ઝેલ સિન્ડ્રોમથી મોત થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter