લંડનઃ યુકેના બર્કશાયરના નિવાસી પરિવારની છતના ભંડકિયામાંથી મળી આવેલા ‘મૈસૂરના વાઘ’ તરીકે પ્રસિદ્ધ રાજવી ટીપુ સુલતાનના શસ્ત્રોના દુર્લભ ખજાનાની કરાયેલી હરાજીની કુલ આવક ૧૦૭,૦૦૦ પાઉન્ડ થઈ છે, જેમાં તેની ચાંદીજડિત અંગત બંદૂકના ૬૦,૦૦૦ પાઉન્ડ ઉપજ્યાં છે. હથિયારો અને શસ્ત્રાગારની વસ્તુઓના વેચાણમાં નિષ્ણાત અને બર્કશાયરસ્થિત લીલામકર્તા પેઢી એન્ટની ક્રિબ લિ. દ્વારા ટીપુ સુલતાનની ચીજોનું લીલામ યોજાયું હતું. લીલામકર્તાએ જણાવ્યું હતું કે ભારતસ્થિત ભારતીયોએ આ ચીજોની ખરીદીમાં ભારે રસ દર્શાવ્યો હતો.
મૈસૂરના આખરી શાસકના શસ્ત્રાગારમાંથી મળેલી ૨૦ બોરની હીરાજડિત, ચકમકના તણખામાંથી ફોડવામાં આવતી ફ્લિન્ટોક બંદૂક અને બેયોનેટ ભારે લોકપ્રિય સાબિત થઈ હતી કારણ કે છેલ્લે ૬૦,૦૦૦ પાઉન્ડમાં વેચાતા અગાઉ તેના માટે ૧૪ બોલી લગાવાઈ હતી. ટીપુ સુલતાનની અન્ય બંદૂકોથી વિપરિત, આ બંદૂકને ભૂતકાળમાં ભારે નુકસાન થયું હોવાના સ્પષ્ટ ચિહ્નો એના પર છે.
લીલામમાં મૂકાયેલી અન્ય વસ્તુઓ પૈકી ધ્યાન ખેંચે તેવી ચીજોમાં ઉપરોક્ત બંદૂક ઉપરાંત ટીપુ સુલતાનની અંગત તલવાર હોવાનું મનાતી સોનાનો ઢોળ ચઢાવેલી તલવાર અને સસ્પેન્સન બેલ્ટનો પણ સમાવેશ થયો હતો. આ માટે ૫૮ બોલી બોલાયા પછી આ તલવારના ૧૮,૫૦૦ પાઉન્ડ ઉપજ્યા છે.
હરાજીમાં કુલ આઠ આઈટમ મૂકવામાં આવી હતી. મૈસુરના વાઘ ટીપુ સુલતાનનો ૧૭૯૯ના શ્રીરંગપટ્ટનમના યુદ્ધમાં પરાજય થયો તે પછી ચાલેલી લૂંટમાં તેના શસ્ત્રો સહિતના ખજાનાની ભારે લૂંટ ચાલી હતી. શ્રીરંગપટ્ટનમના પતન પછી આ બંદૂકને સીધી રણભૂમિમાંથી લવાઈ હોય એમ જણાય છે. ઈસ્ટ ઈન્ડિયાના મેજર થોમસ હાર્ટ પણ આ દુર્લભ શસ્ત્રોને પોતાની સાથે યુકે લાવ્યા હતા. આ શસ્ત્રો પર વાઘ તેમજ તેના પીળાં ચટાપટાનો ટ્રેડમાર્ક જોવા મળે છે, જે આ શસ્ત્રો ટીપુ સુલતાનના હોવાની સાબિતી દર્શાવે છે.
શસ્ત્રો ઉપરાંત, બારીક કોતરણી કરાયેલા નાગરવેલના પાન અને સોપારી રાખવાની પેટીના ૧૭,૫૦૦ પાઉન્ડ તેમજ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સીલવાળી સોનાની વીંટીના ૨૮૦૦ પાઉન્ડ ઉપજ્યા હતા. મેજર હાર્ટની માલિકીની આ વસ્તુઓ બર્કશાયરના દંપતી પાસે આવતા અગાઉ અનેક પેઢીઓના હાથમાંથી પસાર થઈ હશે એમ મનાય છે.
ભારતમાંથી ચોરાઈ ગયેલી ભવ્ય વારસાઈ ચીજોને શોધી રહેલા વિશ્વવ્યાપી સ્વૈચ્છિક નેટવર્ક ઈન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ દ્વારા હસ્તકલાની વસ્તુઓ બાબતે લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનને જાણ કરાઈ હતી. ઈન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટે ભારતમાંથી ચોરાયેલી ચીજો સ્વૈચ્છિકપણે પુનઃ ભારતને સોંપાય એ માટે ઓક્શન હાઉસને સંમત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. બિહારના નાલંદામાં ચોરાયેલી ભગવાન બુદ્ધની ૧૨મી સદીની પ્રતિમાને ગયા વર્ષે ઈન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટના પ્રયાસોથી પુનઃ ભારતમાં લાવી શકાઈ હતી. ઈન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટના સ્થાપક અનુરાગ સક્સેનાએ અંગ્રેજોના સંદર્ભમાં જણાવ્યું હતું કે, ‘તમે જ્યાં સુધી મૂળ ભારતીય ચીજવસ્તુઓ ભારતને પાછી સોંપતા નથી ત્યાં સુધી તમે ભારતમાંથી ખસી ગયા એમ કહેવાય જ નહિ.’


