લંડનઃ મૈસૂરના શાસક ટીપુ સુલતાનમાટે ભારતમાં તૈયાર કરાયેલ 18મી સદીની અલભ્ય બંદૂકને યુકેમાંથી બહાર લઇ જવા પર રોક લગાવી દેવામાં આવી છે.આ બંદૂકની કિંમત આશરે બે મિલિયન પાઉન્ડ આંકવામાં આવે છે. યુકે સ્થિત એક સંસ્થાએ યુકે-ભારતના ઇતિહાસના આ સમયગાળાના અભ્યાસ માટે આ બંદૂક સંપાદિત કરવાની પરવાનગી માગી હતી. આ સંસ્થા ટીપુ સુલતાનની બંદૂકને જાહેરમાં પ્રદર્શન માટે મૂકવાની આશા પણ રાખતી હતી.
યુકેના આર્ટસ અને હેરિટેજ મંત્રી સ્ટીફન પાર્કિન્સને કલાકૃતિઓ અને સાંસ્કૃતિક હિતોની વસ્તુઓ પરની રિવ્યૂ કમિટીની સલાહ બાદ ફ્લિન્ટલોક સ્પોર્ટિંગ ગનને યુકેની બહાર લઇ જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 1793-94માં શૂટિંગ ગેમ માટે 14 બોરની આ બંદૂક તૈયાર કરાઇ હતી. તેના પર તેને બનાવનાર અસદ ખાન મુહમ્મદ દ્વારા હસ્તાક્ષર પણ કરાયેલા છે.
1790-92માં ટીપુ સુલતાન સાથે યુદ્ધ લડનાર જનરલ અર્લ કોર્નવોલિસને આ બંદૂક ભેટમાં અપાઇ હતી. પાર્કિન્સને જણાવ્યું હતું કે, આ બંદૂક નોંધપાત્ર ઐતિહાસિક વારસો છે અને તેની સાથે બ્રિટન અને ભારતનો ઇતિહાસ સંકળાયેલો છે.


