લંડનઃ પોસ્ટ ઓફિસનું હોરાઇઝન આઇટી સ્કેન્ડલ વર્ષો સુધી અખબારોમાં મથાળા બનીને ચમકતું રહ્યું તેમ છતાં બે દાયકા કરતાં વધુ સમયથી પીડિતોને ન્યાય મળી શક્યો નથી. પરંતુ ક્રિસમસ વેકેશનમાં પ્રસારિત થયેલા એક ટેલિવિઝન ડ્રામાએ સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે. અન્યાયથી પીડાતા સેંકડો સબ પોસ્ટ માસ્ટરોની સ્થિતિ ઉજાગર કરતાં આ ટેલિવિઝન ડ્રામાએ પોસ્ટ ઓફિસ સ્કેન્ડલને ટોચનો પોલિટિકલ એજન્ડા બનાવવામાં મદદ કરી છે.
મીડિયા માધ્યમો કેટલાં શક્તિશાળી પૂરવાર થઇ શકે છે તેનું અદ્દભૂત ઉદાહરણ તાજેતરમાં યુકેની એક ટેલિવિઝન ચેનલ પર રજૂ થયેલી ટીવી સીરિઝ મિસ્ટર બેટ્સ વર્સિસ ધ પોસ્ટ ઓફિસ છે. ટેલિવિઝન સીરિઝમાં ટોબી જોન્સ સબ પોસ્ટમાસ્ટર એલન બેટ્સની ભુમિકા ભજવી રહ્યા છે જેમણે ન્યાય માટે અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. આ આ સીરિઝે છેલ્લા દોઢ દાયકા કરતાં વધુ સમયથી પોસ્ટ ઓફિસમાં થયેલા હોરાઇઝન સ્કેન્ડલના મામલે ન્યાયની કસુવાવડના પીડિતોની પીડાને ફરી એકવાર જનતા સમક્ષ રજૂ કરી છે. આ સીરિઝના કારણે હવે નવા સંભવિત પીડિતો પણ હિંમત કરીને આગળ આવી રહ્યાં છે.
ટેલિવિઝન પર પ્રસારિત થયેલી આ સીરિઝના કારણે પીડિતો માટેની જાહેર સંવેદનામાં વધારો થયો છે અને સમગ્ર કૌભાંડ અને ન્યાયની કસુવાવડ માટે જવાબદારી નક્કી કરવાની માગ પણ બુલંદ બની છે.


