ટુ ચાઇલ્ડ બેનિફિટ કેપ નાબૂદ, 5,60,000 પરિવારને સરેરાશ 5,310 પાઉન્ડનો લાભ

ડિસએબિલિટી બેનિફિટ્સ અને વિન્ટર ફ્યુઅલ બેનિફિટ્સ પણ યથાવત

Tuesday 02nd December 2025 09:08 EST
 
 

લંડનઃ રેચલ રીવ્ઝે ટુ ચાઇલ્ડ બેનિફિટ કેપ દૂર કરીને પરિવારોને મોટી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. આ નિર્ણયને પગલે સરકારના બેનિફિટ પેટે થનારા ખર્ચમાં 16 બિલિયન પાઉન્ડ સુધીનો વધારો થશે. આગામી પાંચ વર્ષમાં હેલ્થ અને ડિસએબિલિટી બેનિફિટ્સ 33 ટકાના વધારા સાથે 104 બિલિયન પાઉન્ડ પર પહોંચી જશે.

ટુ ચાઇલ્ડ કેપ દૂર થવાના કારણે 5,60,000 પરિવારોના બેનિફિટ્સમાં સરેરાશ 5,310 પાઉન્ડનો વધારો થશે જેના કારણે સરકારી તિજોરી પર વર્ષ 2030 સુધીમાં 3 બિલિયન પાઉન્ડનો બોજો પડશે. ચાન્સેલરે ડિસએબિલિટી બેનિફિટ્સ અને વિન્ટર ફ્યુઅલ બેનિફિટ્સ પણ યથાવત રાખ્યા છે તેથી સરકાર પર 5.7 બિલિયન પાઉન્ડનો બોજો પડશે. તે ઉપરાંત ફુગાવાના આધારે બેનિફિટ્સમાં વધારો થતાં વધારાના 3.1 બિલિયન પાઉન્ડ ચૂકવવા પડશે. ઓબીઆરના અંદાજ પ્રમાણે પેન્શનો સહિતના વેલ્ફેર રનો કુલ ખર્ચ 91.5 બિલિયન પાઉન્ડ વધીને વર્ષ 2031માં 406 બિલિયન પાઉન્ડ પર પહોંચી જશે.

એપ્રિલથી એનર્જી બિલમાં 150 પાઉન્ડનો ઘટાડો થશે

રીવ્ઝે જણાવ્યું હતું કે, એપ્રિલ 2026થી સરેરાશ પરિવારના એનર્જી બિલમાં 150 પાઉન્ડનો ઘટાડો થશે. ચાન્સેલરે કન્ઝર્વેટિવ સરકાર દ્વારા અમલી બનાવાયેલી એનર્જી કંપની ઓબ્લિગેશન સ્કીમ નાબૂદ કરવાની પણ જાહેરાત કરી છે. રીવ્ઝે જણાવ્યું હતું કે આ સ્કીમ નાબૂદ કરવાથી સરેરાશ પરિવારના એનર્જી બિલમાં 150 પાઉન્ડનો ઘટાડો થશે.

સેવ સ્કીમમાં અપાતી મદદ હવે કાયમી રહેશે

વર્ષ 2028થી સેવ સ્કીમમાં અપાતી મદદ કાયમી કરી દેવાઇ છે. આ સ્કીમમાં યુનિવર્સલ ક્રેડિટ મેળવતા ચોક્કસ લોકોને 4 વર્ષમાં બચત કરેલા દરેક 1 પાઉન્ડ પર 50 પેન્સનું બોનસ ચૂકવવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે પ્રતિ માસ 50 પાઉન્ડની બચત પર સરકાર 50 ટકા બોનસ ચૂકવશે.

સુગર ટેક્સમાં મિલ્કશેક અને કેન્ડ લેટ્ટસ સામેલ કરાયાં

ડાયાબિટિસ પર નિયંત્રણ મેળવવાના હેતૂથી રીવ્ઝે ડેરી આધારિત મિલ્કશેક અને કેન્ડ લેટ્ટસ પર સુગર ટેક્સ લાદવાની જાહેરાત કરી છે. યુવાઓને સુગર વધારતા ડ્રીંકથી દૂર રાખવા આ ટેક્સ લદાયો છે.

રેચલનું ઓટમ બજેટઃ અન્ય જોગવાઇઓ

-          હોટેલ અને હોલીડે લેટ્સમાં રાત રોકાનાર પાસેથી ટેક્સ વસૂલવા મેયરોને સત્તા અપાશે

-          7 શહેરના મેયરને સ્કીલ્સ, બિઝનેસ અને ઇન્ફ્રા સપોર્ટ માટે 13 બિલિયન પાઉન્ડ અપાશે

-          લઘુ અને મધ્યમ કંપનીઓ માટે 25 વર્ષથી નાના યુવાઓને એપ્રેન્ટિસની તાલીમ ફ્રી કરાશે

-          બેરોજગાર અને અભ્યાસ છોડી ચૂકેલા યુનિવર્સલ ક્રેડિટ પરના 18-21 વર્ષના યુવાને 6 મહિના વેતન સાથેની નોકરી અપાશે, ઇનકાર કરનારના બેનિફિટ્સ બંધ કરાશે

-          ઓગસ્ટ 2028થી યુનિવર્સિટીઓ પાસેથી પ્રતિ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ 925 પાઉન્ડ પ્રતિ વર્ષ વસૂલાશે

-          સ્ટુડન્ટ લોન રિપેમેન્ટ થ્રેશહોલ્ડ વધુ 3 વર્ષ માટે યથાવત

-          સિંગલ એનએચએસ પ્રિસ્ક્રિપ્શનની કોસ્ટ વધુ એક વર્ષ માટે 9.90 પાઉન્ડ પર યથાવત

-          એનએચએસમાં વધુ નર્સો અને જીપીની નિયુક્તિ માટે 4.9 બિલિયન પાઉન્ડની ફાળવણી કરાશે

-          પેશન્ટ સર્વિસમાં સુધારા માટેની ટેકનોલોજીમાં 300 મિલિયન પાઉન્ડ ખર્ચાશે

-          250 નવા લોકલ પેશન્ટ હેલ્થ સેન્ટર શરૂ કરાશે

-          સ્કૂલ લાયબ્રેરી માટે 5 મિલિયન પાઉન્ડ અને પ્લે ગ્રાઉન્ડ સુધારણા માટે 18 મિલિયન પાઉન્ડની ફાળવણી

-          ઇન્ફેક્ટેડ બ્લડ વળતરને ઇનહેરિટન્સ ટેક્સમાંથી મુક્તિ

-          વિદેશમાં વસતા લોકો માટે ક્લાસ ટુ વોલન્ટરી એનઆઇ કન્ટ્રીબ્યુશન નાબૂદ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter