લંડનઃ બર્નહામ સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા ખરડા અનુસાર ઈંગ્લેન્ડમાં આગામી સમયમાં લાગુ થનારા નવા ટૂરિસ્ટ ટેક્સની ચોરી કરનારા હોટેલ માલિકો સામે ભારે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કરચોરીનો પ્રયાસ કરનારા એકોમોડેશન પ્રોવાઇડર્સને વધુમાં વધુ 14 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
આ પ્રસ્તાવિત કાયદાની જોગવાઇઓ અનુસાર મેટ્સ રેટ્સ પર રોક લગાવવામાં આવી છે. સગાં-સંબંધીઓ કે મિત્રોને બજાર કિંમત કરતાં ઓછા દરે રૂમ આપીને ટેક્સમાં ઘટાડો કરવાના પ્રયાસો સામે પણ કાયદો લાલ આંખ કરશે. આવી સ્થિતિમાં ટેક્સની ગણતરી બજાર ભાવ મુજબ જ કરવામાં આવશે.
વર્ષ 2028થી મેયર અને સ્થાનિક ઓથોરિટીના વડાઓને શોર્ટ-ટર્મ એકોમોડેશન પર યોગ્ય અને અનકેપ્ડ ચાર્જ લગાવવાની સત્તા મળશે. આ એકત્રિત ભંડોળનો ઉપયોગ સ્થાનિક પરિવહન, હાઇ સ્ટ્રીટ્સ અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે કરવામાં આવશે.
જોકે, હોમલેસ માટેના શેલ્ટર, રેફ્યુજીસ તેમજ અસાયલમ સીકર્સ માટે ઉપયોગમાં લેવાતી હોટેલોને આ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકારના મતે આ આકરા નિયમો વેટ ચોરીના કાયદા સમાન જ છે અને સામાન્ય ભૂલો માટે કડક સજા નહીં થાય. જોકે, વિપક્ષ અને વેપારી સંગઠનોએ આ બિલનો ભારે વિરોધ કરતાં જણાવ્યું છે કે, હોટેલ માલિકોને 14 વર્ષની જેલની ધમકી આપવી એ બિઝનેસ ક્ષેત્રે અસંવેદનશીલ અભિગમ દર્શાવે છે અને આનાથી પ્રવાસન ક્ષેત્રને મોટો ફટકો પડી શકે છે.

