ટૂંકુ અને ટચ....

Tuesday 24th September 2024 10:16 EDT
 
 

ખિસકોલી ઘૂસી જતાં ટ્રેન રદ કરાઇ

લંડનઃ ટ્રેનમાં બે ખિસકોલી ઘૂસી જતાં ટ્રેન રદ કરવાની ફરજ પડી હતી. રીડિંગથી ગેટવિક એરપોર્ટ જતી ટર્નમાં શનિવારે સવારે બે ખિસકોલી ઘૂસી આવી હતી. સરેના રેડહિલ ખાતે અધિકારીઓએ ખિસકોલીઓને ટ્રેનમાંથી બહાર કાઢવાના પ્રયાસ કર્યાં હતાં પરંતુ એક ખિસકોલીએ ટ્રેનમાંથી બહાર જવાનો ધરાર ઇનકાર કરી દીધો હતો. જેના પગલે ટ્રેન રદ કરાઇ હતી. જીડબલ્યુઆરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગોમશાલ ખાતે બે ખિસકોલી ટિકિટ વિના ટ્રેનમાં ઘૂસી આવી હતી. આ રેલવેના પેટાનિયમોનું ઉલ્લંઘન છે.

વડાપ્રધાનની કચેરીમાં નવા સભ્ય પ્રિન્સનું આગમન

લંડનઃ યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઓફિસમાં નવા સભ્યનો ઉમેરો થયો છે. આ નવો સભ્ય સાયબેરિયન કીટન પ્રિન્સ છે. તાજેતરમાં લેબર પાર્ટીની કોન્ફરન્સ પહેલાં તેને વડાપ્રધાનની ડેસ્ક પર જોવાયો હતો. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, મારા બાળકો જર્મન શેફર્ડ પ્રજાતિનો શ્વાન ઇચ્છતાં હતાં પરંતુ લાંબી ચર્ચા બાદ અમે પ્રિન્સની પસંદગી કરી હતી.

ઇસ્ટ મિડલેન્ડ્સમાં વસવાટ અને વ્યવસાય માટે લેસ્ટર શ્રેષ્ઠ શહેર

લંડનઃ ઇસ્ટ મિડલેન્ડ્સમાં લેસ્ટરને વસવાટ અને વ્યવસાય માટેનું શ્રેષ્ઠ સ્થળ ગણાવવામાં આવ્યું છે. ગૂડ ગ્રોથ ફોર સિટી ઇન્ડેક્સમાં આ વર્ષે વર્ક લાઇફ બેલેન્સ અને સારી ટ્રાન્સપોર્ટ સુવિધાઓ સહિતના પરિબળોને કારણે લેસ્ટરને પ્રથમ સ્થાન અપાયું છે. લેસ્ટરમાં નવા બિઝનેસ શરૂ કરવાની સાનુકૂળ તકો ઉપલબ્ધ છે અને સુરક્ષા અને વર્કફોર્સ સ્કીલના મામલામાં પણ શહેર અગ્રીમ રહ્યું છે.

સમગ્ર યુકેની વાત કરીએ તો દેશના 52 મોટા શહેરોમાં લેસ્ટરને 20મુ સ્થાન અપાયું છે. લેસ્ટરના મેયર સર પીટર સોલ્સબીએ જણાવ્યું હતું કે, 2011માં હું મેયર તરીકે ચૂંટાયો ત્યારે લેસ્ટર એક પ્રકારની લઘુતાગ્રંથિથી પીડાતું શહેક હતો. આજે લેસ્ટર શહેરનો અભિગમ તદ્દન જુદા પ્રકારનો છે.

તેમણે જણાવ્યું હતું કે, આજે લોકો લેસ્ટરમાં આવીને વસવાટ કરવા ઇચ્છે છે તે જોઇને આનંદ થાય છે. લેસ્ટર પાસે આકર્ષણના મુખ્ય 3 પરિબળ છે. શહેરનો ઇતિહાસ, ઐતિહાસિક ઇમારતો અને જનતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter