ટેક જાયન્ટ્સ ગૂગલ-ફેસબૂકનું પ્રભુત્વ તોડવા યુકેમાં નવો કાયદો

Wednesday 02nd February 2022 05:46 EST
 
 

લંડનઃ બ્રિટિશ સરકારનો નવો કાયદો ટેક જાયન્ટ્સ ગૂગલ-ફેસબૂકને મોટો નાણાકીય ફટકો મારી શકે છે. યુકેએ ગૂગલ અને ફેસબૂકના વધી રહેલા પ્રભુત્વને ખાળવાના પ્રયાસરુપે અપનાવેલા ઓસ્ટ્રેલિયાના સર્ચ એન્જિન્સ-સોશિયલ મીડિયા સંબંધિત આ કાયદાથી ગૂગલ-ફેસબૂકે અખબારો અને અન્ય મીડિયા આઉટલેટ્સને તેમના અહેવાલોનો ઉપયોગ કરવા બદલ નાણાકીય ચૂકવણી કરવાની ફરજ પડી શકે છે.

ટેકનોલોજી કંપનીઓનું ઓનલાઇન જાહેરાતો પર પ્રભુત્વ છે જે અને ગ્રાહકો તથા કંપનીઓના હિતો માટે નુકસાનકારક છે. આ સંદર્ભમાં યુકેના કલ્ચર સેક્રેટરી નેડિન ડોરિસ દ્વારા આ બિલ લવાયું છે. ટેક કંપનીઓની વધતી સત્તાને અંકુશમાં રાખવા યુકે કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA)ના નેજા હેઠળના ડિજિટલ માર્કેટ્સ યુનિટ (DMU) દ્વારા નવા તંત્રનું નિયમન કરાશે. યુકેના ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ વિભાગના સૂત્રો મુજબ નવુ તંત્ર સ્પર્ધાતરફી હશે તેમજ મોટા પ્લેટફોર્મ્સ અને પ્રકાશકો વચ્ચે અસંતુલનને પહોંચી વળવાનું મહત્ત્વનું કાર્ય કરશે.

ઉલ્લેખનીય છે કે CMA અનુસાર યુકેમાં ૨૦૧૯માં ડિજિટલ એડવર્ટાઈઝિંગ પાછળ ખર્ચાયેલા ૧૪ બિલિયન પાઉન્ડમાંથી ૮૦ ટકા હિસ્સાની કમાણી ગૂગલ અને ફેસબૂક પાસે ગઈ હતી.નેશનલ અને સ્થાનિક અખબારોને ચાર ટકાથી ઓછી રેવન્યુ મળી હતી. યુકેમાં સર્ચ એડવર્ટાઈઝિંગ માર્કેટનો ૯૦ ટકાથી વધુ હિસ્સો ગૂગલ ધરાવે છે.

ઓસ્ટ્રેલિયાના કાયદામાં વિવિધ પ્લેટફોર્મ્સને ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન્સ સાથે પેમેન્ટ્સ ડીલ માટે પ્રોત્સાહિત કરાય છે. જો વાટાઘાટો નિષ્ફળ જાય તો સ્વતંત્ર આર્બિટ્રેટર યોગ્ય કિંમત નિર્ધારણ કરશે. ઓસ્ટ્રેલિયામાં આ કાયદાના વિરોધમાં ફેસબૂકે તમામ ન્યૂઝ કન્ટેન્ટને બ્લોક કરી દીધા હતા પરંતુ, સરકાર સાથે વાટાઘાટો પછી નિર્ણય પાછો ખેંચ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter