લંડનઃ વધી રહેલા કરવેરાથી પરેશાન બ્રિટનમાંથી થઇ રહેલા અમીરોના પલાયનમાં ભારતીય મૂળના અમીર બ્રિટિશરો પણ સામેલ છે. તાજેતરમાં જ આગામી ઓટમ બજેટમાં કરવેરામાં વધારાની સંભાવનાને જોતાં ઇમપ્રોબેબલ કંપનીના સહસ્થાપક હરમન નરુલાએ બ્રિટન છોડીને દુબઇમાં વસવાટની જાહેરાત કરી છે.
અરોરા ગ્રુપના ચેરમેન અને બ્રિટિશ ભારતીય બિલિયોનર સુરિન્દર અરોરા, એકેક્યૂએ તથા સ્ટુડિયોના સ્થાપક ભારતીય મૂળના એજાઝ એહમદે ચાન્સેલર રેચલ રીવ્ઝને લખાયેલા ઓપન લેટરમાં હસ્તાક્ષર કર્યાં છે. લેટરમાં ચાન્સેલરને ચેતવણી આપવામાં આવી છે કે ઉદ્યોગ સાહસિકો બ્રિટન છોડી રહ્યાં છે તેના ચેતવણીજનક પુરાવા સામે આવી રહ્યાં છે. કેપિટલ ગેઇન ટેક્સ, ઉદ્યોગ સાહસિકોને અપાતી રાહત, એમ્પ્લોયર નેશનલ ઇન્શ્યુરન્સમાં ગયા વર્ષના બજેટમાં કરાયેલા સુધારાના કારણે ઉદ્યોગ સાહસિકો પરનો બોજો વધારી દીધો છે. સરકાર ઓટમ બજેટની તૈયારી કરી રહી છે ત્યારે તેણે તેની નીતિઓની ઉદ્યોગ સાહસિકો પર કેવી રીતે વિપરિત અસરો પડી રહી છે તેની કાળજીપુર્વક સમીક્ષા કરવી જોઇએ. સરકારે ઉદ્યોગ સાહસિકો પર લગામ કસવાને બદલે પ્રોત્સાહિત કરવા જોઇએ.
ફક્ત ઉદ્યોગ સાહસિકો જ નહીં બ્રિટન આવેલા સ્કીલ્ડ વર્કર્સ પણ દેશ છોડવાની તૈયારી કરી રહ્યાં છે. 2007માં ભારતના બેંગલોરથી યુકે આવેલા આઇટી કન્સલ્ટન્ટ ગણપતિ ભટ ભારત પરત ફરવા વિચારી રહ્યાં છે. તેઓ કહે છે કે હું જ્યારે યુકે આવ્યો ત્યારે અહીં ઘણી તકો હતી. પરંતુ હવે હું જે ટેક્સ ચૂકવું છું તેનું મને પુરતું વળતર મળી રહ્યું નથી.એનએચએસમાં કોઇ સુધારો જોવા મળી રહ્યો નથી. આર્થિક વૃદ્ધિ સ્થગિત થઇ ગઇ છે અને માળખાકીય વિકાસમાં કોઇ રોકાણ થઇ રહ્યું નથી. મારા જેવા ઘણા મારા બ્રિટિશ ભારતીય મિત્રો ભારત પરત ફરી ચૂક્યાં છે.


