ટેક્સ રિફંડ નિયમોમાં મોટાપાયે બદલાવની એચએમઆરસીની કવાયત

નવા નિયમોને પગલે કરદાતાઓના સેંકડો પાઉન્ડની બચત થઇ શકશે

Wednesday 18th January 2023 06:40 EST
 
 

લંડન

એચએમ રેવન્યૂ એન્ડ કસ્ટમ્સ (એચએમઆરસી)એ 12 સપ્તાહની ગહન વિચારણા બાદ ટેક્સ રિપેમેન્ટમાં રિપેમેન્ટ એજન્ટોની ભુમિકા વધુ પારદર્શક બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે કરદાતાઓના સેંકડો પાઉન્ડની બચત થવાની સંભાવના છે. રિપેમેન્ટ એજન્ટો એવી કંપનીઓ છે જે કરદાતાઓને ટેક્સ પેટે ચૂકવી દીધેલા વધારાના નાણા પરત મેળવવામાં મદદ કરે છે પરંતુ તે માટે તેમના દ્વારા કરદાતાઓ પાસેથી વસૂલાતી રકમમાં પારદર્શકતા જોવા મળતી નહોતી. કેટલાક કિસ્સાઓમાં તો આ એજન્ટો દ્વારા કરદાતા પાસેથી રિબેટમાંથી મળતી રકમના 50 ટકા જેટલી રકમ સર્વિસ ચાર્જ પેટે વસૂલી લેવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.

તેથી હવે એચએમઆરસી દ્વારા કરદાતાઓને વધુ સંરક્ષણ આપવા માટે શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરવામાં આવી છે. એચએમઆરસીએ જણાવ્યું હતું કે, રિપેમેન્ટ એજન્ટોને તેમની સેવાઓ માટે ચૂકવાતા કમિશન માટે નવો કાયદો ઘડી કઢાશે.

નવા નિયમો પ્રમાણે કરદાતા રિપેમેન્ટ એજન્ટને તેની પ્રક્રિયા માટે નિયુક્ત કરી શકશે પરંતુ તે ગમે તે સમયે રિપેમેન્ટ એજન્ટની સેવાઓનો કોન્ટ્રાક્ટ રદ કરીને પોતાની જાતે પ્રક્રિયા કરી શકશે. જેના કારણે રિપેમેન્ટ એજન્ટની સેવાઓથી અસંતોષ હોય તેવા ગ્રાહકોને સંરક્ષણ આપી શકાશે. તે ઉપરાંત એજન્ટોએ કરદાતા સાથે પ્રક્રિયાના મામલે સંપુર્ણ પારદર્શકતા જાળવવાની રહેશે. જેથી કરદાતાને તેની પ્રક્રિયાની પૂરી માહિતી ઉપલબ્ધ થતી રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter