ટેક્સ રિબેટનાં કહેવાતાં ટેક્સ્ટ મેસેજીસનું પણ કૌભાંડઃ HMRCએ આપેલી ચેતવણી

એપ્રિલ અને મે મહિનાનાં ગાળામાં રિબેટના સૌથી વધુ બનાવટી મેસેજીસઃ જો તમને પણ આવા ટેક્સ્ટ મેસેજીસ કે ઈમેઈલ્સ મળતા હોય તો તેનો ઉત્તર વાળશો નહિ

Wednesday 01st May 2019 03:18 EDT
 
 

લંડનઃ કોલ સેન્ટર દ્વારા બનાવટી ટેક્સ અધિકારીઓ ટેક્સની રકમ બાકી હોવાનું જણાવી લોકો પાસેથી નાણા ઉઘરાવતાં હોવાનું કૌભાંડ જાહેર થયાં પછી ટેક્સ રિબેટના ટેક્સ્ટ મેસેજીસ મોકલવાનું કૌભાંડ બહાર આવ્યું છે. રેવન્યુ અને કસ્ટમ વિભાગ (HMRC) દ્વારા આવા ફોનકૌભાંડથી ચેતતાં રહેવાની લોકોને ચેતવણી આપવામાં આવી છે.

સરકારી સંસ્થાનું કહેવું છે કે છેતરપીંડી આચરનારાઓ કાયદેસર રિબેટની પ્રક્રિયા ચાલતી હોય તેવાં એપ્રિલ અને મે મહિનાનાં ગાળામાં રિબેટના બનાવટી મેસેજીસથી લોકોને નિશાન બનાવે છે. મોટા ભાગે યુવાન લોકો મોબાઈલ ફોન મારફત નાણાકીય વહીવટ કરતા હોવાથી તેઓ આવી ઠગાઈનો સહેલાઈથી શિકાર બની જાય છે.

એપ્રિલ મહિનાની શરૂઆતમાં ટેક્સ રિફન્ડ આવશે તેમ માનતા યુવાન જ્હોન પર વહેલી સવારના ‘InfoHM’ પરથી રિફન્ડ વિશે ટેક્સ્ટ મેસેજ આવે છે અને ઓનલાઈન સૂચનાઓ વાંચીને તે જાણેઅજાણે પણ પોતાના પર્સનલ અને બેન્ક એકાઉન્ટની વિગતો આપે છે. તે સરકારી જેવી લાગતી સાઈટ પર જાય છે. પોતાનો નેશનલ ઈન્સ્યોરન્સ નંબર અને જન્મતારીખ એન્ટર કર્યા પછી તેને ૪૬૨ પાઉન્ડનું રિફન્ડ મળશે તેવી માહિતી આપવામાં આવે છે. જ્હોન કહે છે કે જો બપોરના આવો મેસેજ મળ્યો હોત તો કદાચ તે કૌભાંડ હશે તેવો વિચાર પણ આવત. આ રીતે તે ઠગાઈનો શિકાર બને છે. જ્હોને HMRCને આ વિગતો જણાવ્યા પછી તેના એકાઉન્ટ્સ પર વધારાની ઓનલાઈન સિક્યોરિટી પણ લગાવી દીધી છે. ગત સ્પ્રિંગમાં HMRCને આવા કૌભાંડના ૨૫૦,૦૦૦ રિપોર્ટ્સ મળ્યા હતા.

HMRCકહે છે કે તેઓ કદી ફોન અથવા ટેક્સ્ટ દ્વારા બેન્ક વિગતોની માગણી કરતા નથી. તેઓ લોકોને છેતરપીંડીથી બચાવવા આવી યોજનાઓ સાથે સંકળાયેલી જણાતી ‘phishing scams’ની સેંકડો વેબસાઈટ્સ દર સપ્તાહે બંધ કરતા રહે છે. જો તમને પણ આવા ટેક્સ્ટ મેસેજીસ કે ઈમેઈલ્સ મળતા હોય તો તેનો ઉત્તર વાળશો નહિ અને વેળાસર રેવન્યુ વિભાગને તેની જાણ કરશો જેથી ઓનલાઈન છેતરપીંડી કરનારા અપરાધીઓને અટકાવી શકાય. કૌભાંડીઓ દ્વારા ફોન કોલ્સ, વોઈસમેઈલ્સ અને ઈમેઈલ્સનો ઉપયોગ પણ કરવામાં આવે છે, જેમાં રહેલા કોમ્પ્યુટર વાયરસ અંગત અથવા નાણાકીય માહિતીની કોપી કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter