લંડનઃ બ્રિટનની તેજીમાં આવી રહેલી ઈકોનોમીના કારણે ૨૦ બિલિયન પાઉન્ડની વૃદ્ધિનો લાભ મળ્યો હોવાથી પાર્લામેન્ટની વર્તમાન મુદતમાં ટેક્સ વધારવાની જરુર નહિ પડે તેમ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા આગાહીમાં જણાવાયું છે. સરકાર ધ્યાનમાં નહિ લેવાયેલા વેલ્ફેર, હેલ્થ તેમજ અન્ય વિભાગો માટે ભારે ખર્ચાના દબાણ હેઠળ છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાક કરકસરનો અંત લાવવાના ટોરી વચનને પાળવા તેમજ વેલ્થ ટેક્સ લાદવાની ચિંતાને ટાળી શકશે.
ઓક્સફર્ડ ઈકોનોમિક્સ ખાતે યુકેના ચીફ ઈકોનોમિસ્ટ એન્ડ્રયુ ગૂડવિને જણાવ્યું હતું કે સારી વૃદ્ધિની સંભાવનાએ વધુ સ્થિતિસ્થાપકતાની અને ખાસ કરીને નવા ટેક્સ વધારાને દૂર રાખવાની તક આપી છે. માર્ચ મહિનામાં ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR)ની આગાહીઓની સરખામણીએ બેન્ક ઓફ ઈંગ્લેન્ડની આગાહી વધુ આશાવાદી છે. બેન્કની ધારણા મુજબ આ વર્ષે વૃદ્ધિદર ૭.૨૫ ટકા, આગામી વર્ષે ૫.૭૫ ટકા અને વર્ષ ૨૦૨૩માં ૧.૨૫ ટકા રહેશે. બીજી તરફ, OBRની આગાહી અનુક્રમે ૪ ટકા, ૭.૩ ટકા અને ૧.૭ ટકાની હતી. આ ઉપરાંત, બેન્કના અંદાજ મુજબ મહામારીના કારણે કાયમી આર્થિક નુકસાન GDPના ૧.૨૫ ટકા જેટલું રહેશે જ્યારે OBRનો અંદાજ ૩ ટકાનો હતો.
દેશમાં ચૂંટણી ૨૦૨૪માં યોજાવાની છે ત્યારે ગૂડવિને બેન્કની આગાહીને એક વર્ષ લંબાવી હતી અને OBRની પદ્ધતિએ ગણતરી કરી ૨૦૨૪-૨૫ માટે કરજ-બોરોઈંગ ૭૪.૪ બિલિયન પાઉન્ડ રહેશે તેવી આગાહીની જગ્યાએ કરજ ૧૫થી ૨૦ બિલિયન પાઉન્ડ ઓછું રહેશે તેમ જણાવ્યું છે.