લંડન
વડાપ્રધાન રિશી સુનાકના એથિક્સ એડવાઇઝરની તપાસમાં નદીમ ઝહાવી તેમના કરમામલામાં એચએમઆરસીને માહિતી આપવામાં નિષ્ફળ ગયા હોવાનું બહાર આવતાં તેમને ટોરી પાર્ટીના ચેરમેનપદેથી બરખાસ્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, સર લોરી મેગ્નસની તપાસમાં સ્પષ્ટ થયું છે કે નદીમ ઝહાવી દ્વારા મિનિસ્ટરિયલ કોડનું ગંભીર ઉલ્લંઘન કરાયું છે. અગાઉ નહીં ચૂકવેલા ટેક્સ માટે નદીમ ઝહાવીએ એચએમઆરસીને પેનલ્ટી ચૂકવી હોવાના અહેવાલો બહાર આવ્યા બાદ વડાપ્રધાન સુનાકે તેમની સામે તપાસના આદેશ આપ્યા હતા. સર મેગ્નસે તપાસમાં જણાવ્યું હતું કે, નદીમ ઝહાવી તેમની આવકની માહિતી આપવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
તપાસના તારણો મળ્યા બાદ રિશી સુનાકે નદીમ ઝહાવીને પત્ર લખીને સરકારમાં તેમની કામગીરીની પ્રશંસા કરી હતી પરંતુ તેમને બરખાસ્ત કરવાનો નિર્ણય લીધો હોવાની જાણ કરી હતી. જવાબમાં ઝહાવીએ વડાપ્રધાનનો આભાર માનતા જણાવ્યું હતું કે, મને મારી કામગીરી માટે ગૌરવ છે. જોકે તેમણે નિયમોના ઉલ્લંઘન માટે માફી માગી નહોતી કે તેમના કરમામલાનો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો. તેમણે આગામી વર્ષોમાં બેક બેન્ચર તરીકે વડાપ્રધાનને સમર્થનનું વચન આપ્યું હતું.
ઝહાવીના મામલે વિપક્ષની રિશી સુનાક પર પસ્તાળ
ઝહાવીની બરખાસ્તગી બાદ લેબર પાર્ટીએ વડાપ્રધાન રિશી સુનાક પર ભીંસ વધારી હતી. લેબર પાર્ટીના અધ્યક્ષ એનિલીઝ ડોડ્સે સુનાકને પત્ર લખીને સવાલ કર્યો હતો કે ઝહાવી સામે એચએમઆરસી દ્વારા હાથ ધરાયેલી તપાસથી તેઓ માહિતગાર હતા કે કેમ તે જાહેર કરે. જોકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ અગાઉ સ્પષ્ટતા કરી ચૂકી હતી કે રિશી સુનાકને ઝહાવી સામેની તપાસની કોઇ જાણકારી નહોતી. એસએનપીના ક્રિસ્ટી બ્લેકમેને જણાવ્યું હતું કે, સુનાક સામે હજુ સવાલો ઊભા છે. તેઓ ટેક્સ મામલે ઝહાવીએ કરેલા સેટલમેન્ટથી પરિચિત હતા કે કેમ.. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ડેઇઝી કૂપરે જણાવ્યું હતું કે ઝહાવીએ સાંસદપદેથી પણ રાજીનામુ આપી દેવું જોઇએ.
શું હતો સમગ્ર મામલો
એપ્રિલ 2021 – એચએમઆરસીએ નદીમ ઝહાવી સાથે કરમામલાઓ પર વાતચીત શરૂ કરી
સપ્ટેમ્બર 2021 – ઝહાવીને એજ્યુકેશન સેક્રેટરી નિયુક્ત કરાયા, સર લોરીએ ફરી જાહેર કર્યું કે ઝહાવી તેમના હિતો જાહેર કરવામાં નિષ્ફળ ગયા છે
5 જુલાઇ 2022 – ઝહાવીને ચાન્સેલર નિયુક્ત કરાયા છતાં તેમની સામેની એચએમઆરસીની તપાસનો ઉલ્લેખ કરાયો નહીં
10 જુલાઇ 2022 – ઝહાવીએ એચએમઆરસી દ્વારા ચાલી રહેલી તપાસના અહેવાલોને ખોટા ગણાવ્યા
15 જુલાઇ 2022 – એચએમઆરસીની તાકિદ બાદ ઝહાવીએ તેમના હિતોની માહિતી આપી
ઓગસ્ટ 2022 – ઝહાવીએ એચએમઆરસી સાથે સમાધાન કર્યું પરંતુ ઝહાવીએ તેમના ડેકલેરેશન ઓફ ઇન્ટરેસ્ટમાં તે માહિતી આપી નહીં
ઓક્ટોબર 2022 – રિશી સુનાકે નદીમ ઝહાવીને ટોરી પાર્ટીના અધ્યક્ષ જાહેર કર્યા
21 જાન્યુઆરી 2023 – ઝહાવીએ એચએમઆરસી સાથે સમાધાન કર્યાના અહેવાલોનો સ્વીકાર કર્યો
23 જાન્યુઆરી 2023 – વડાપ્રધાને એથિક્સ એડવાઇઝરને ઝહાવી મામલાની તપાસનો આદેશ આપ્યો


