લંડનઃ ગુનેગારોનું લક્ષ્ય હાઉસ ડિપોઝિટ્સ સહિત મોટી રકમ મેળવવા પર હોવાથી મકાન ખરીદનારને ખરીદી દરમિયાન અને તેઓ શીફ્ટ કરે તેમાં છેતરપિંડીને ટાળવા માટે પૂરતાં પગલાં લેવા ચેતવવામાં આવ્યા છે. ટૂંક સમયમાં સ્ટેમ્પ ડ્યૂટી હોલિડેનો અંત આવે તેમ હોવાથી પ્રોપર્ટી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. લોકો ટેક્સ ચૂકવ્યા વિના નવું મકાન મેળવવાના પ્રયાસ કરે છે.
ફાઈનાન્સિયલ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી યુકે ફાઈનાન્સે જણાવ્યા મુજબ મકાન ખરીદનારા ખોટા ખાતામાં નાણાં ચૂકવે તે માટે ઠગ લોકો ગેરરીતિઓ અપનાવી રહ્યા છે. યુકે ફાઈનાન્સના મેનેજિંગ ડિરેક્ટર ઓફ ઈકોનોમિક ક્રાઈમ કેટી વોરોબેકે જણાવ્યું કે મકાન બદલવું ખૂબ તણાવભર્યું હોય છે. તમને ગેરરીતિથી બચાવે તેવા પગલાં લેવા જરૂરી છે.
ગાર્ડિયનને કેટલાંક કેસની માહિતી મેળવી હતી. તેમાં સોલિસિટરોએ કરેલા ઈમેલને ઠગોએ આંતરી લીધા હતા. ઠગોએ મૂળ ઈમેલ બદલીને તેમના ખાતાની વિગતો સાથે નવા ઈમેલ કર્યા હતા. તેમાં એક ઈમેલમાં તો ગુનેગારોએ એક મકાન ખરીદનારને યુકિતપૂર્વક તેમના ખાતામાં ૩૦૦,૦૦૦થી વધુ પાઉન્ડ જમા કરાવ્યા હતા.
યુકે ફાઈનાન્સે જણાવ્યું કે ૨૦૨૦ના પ્રથમ છ માસમાં ગ્રાહકોને નવી પેમેન્ટ માહિતી સાથેના બનાવટી ઈમેલ મોકલીને છેતરપિંડી આચરી હતી. જેમાં તેમના પર્સનલ ખાતામાંથી ૧૬.૨ મિલિયન પાઉન્ડ ગયા હતા. બીજી છેતરપિંડી આઈડેન્ટિટીની થાય છે. તેમાં જૂના સરનામે મોકલવામાં આવેલા પત્રોનો ગુનેગારો પોતાના નામે ક્રેડિટ અથવા બેનિફિટ મેળવવા ઉપયોગ કરે છે.

