ટેક્સમાં વધારાના કારણે કંપનીઓએ નવી નોકરીઓ આપવાનું બંધ કર્યું

રીવ્ઝના બજેટે લાદેલા 25 બિલિયન પાઉન્ડના વધારાના કરવેરા જવાબદારઃ બિઝનેસ જગત

Tuesday 17th December 2024 10:06 EST
 
 

લંડનઃ ચાન્સેલર રેચલ રીવ્ઝ દ્વારા બિઝનેસ ટેક્સમાં કરાયેલા વધારાના કારણે યુકેના અર્થતંત્રને ભારે નુકસાન થઇ રહ્યું છે. કંપનીઓએ નોકરીઓમાં કાપ મૂકી દીધો છે અને ચેતવણી આપી છે કે ચાન્સેલરના બજેટે કોર્પોરેટ જગતના વિશ્વાસને હચમચાવી દીધો છે.

એસએન્ડપીના એક રિપોર્ટ અનુસાર ડિસેમ્બર મહિનામાં પ્રાઇવેટ નોકરીઓમાં જાન્યુઆરી 2021 પછીનો સૌથી ઝડપી ઘટાડો નોંધાયો છે. એમ્પ્લોયમેન્ટ ઇન્ડેક્સ નવેમ્બરના 48.9થી ગગડીને ડિસેમ્બરમાં 45.8 પર આવી ગયો છે. આ આંકડા દર્શાવે છે કે પ્રાઇવેટ કંપનીઓએ નોકરીઓ આપવાનું ઓછું કરી દીધું છે. કોર્પોરેટ જગત આના માટે રીવ્ઝ દ્વારા એમ્પ્લોયર્સ નેશનલ ઇન્શ્યુરન્સમાં લદાયેલા 25 બિલિયન પાઉન્ડના વધારાના બોજાને જવાબદાર ગણાવી રહ્યું છે.

બ્રિટિશ ચેમ્બર ઓફ કોમર્સના પોલિસી ડિરેક્ટર એલેક્સ વીચે જણાવ્યું હતું કે, વધી રહેલા ખર્ચમાં વૃદ્ધિ કેવી રીતે થઇ શકશે તે બિઝનેસોની સૌથી મોટી મૂંઝવણ છે. તેઓ વધેલા કરબોજને ઉઠાવવા તો તૈયાર છે પરંતુ હવે મૂડીરોકાણ અને નવી નોકરીઓ ઘટાડવાની તૈયારી કરી ચૂક્યાં છે. કેટલીક કંપનીઓ તો ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓને છૂટા પણ કરી રહી છે.

ઓક્ટોબરમાં જીડીપી વૃદ્ધિદરમાં 0.1 ટકાનો ઘટાડો

બ્રિટિશ ઇકોનોમીએ સતત બીજે મહિને પીછેહઠ કરી છે. ઓક્ટોબરમાં જીડીપી વૃદ્ધિદરમાં 0.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કન્સ્ટ્રક્શન અને પ્રોડક્શનમાં ઘટાડો થવાના કારણે જીડીપી વૃદ્ધિદરમાં ઘટાડો નોંધાયો છે. સર્વિસ સેક્ટર પણ સ્થગિત થઇ ચૂક્યું છે. સપ્ટેમ્બરમાં પણ જીડીપી વૃદ્ધિદરમાં 0.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જેના પગલે હવે અર્થતંત્રને વેગ આપવાના લેબર સરકાર સામેના પડકારોમાં વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter