લંડનઃ બોરિસ જ્હોન્સનની પાર્ટીએ નેશનલ ઈન્સ્યુરન્સ ટેક્સમાં વધારો જાહેર કર્યા પછી લેબર પાર્ટીએ જાન્યુઆરી પછી પહેલી વખત ટોરી પાર્ટીને યુગવ- YouGov સર્વેમાં પછડાટ આપી છે. ટોરીઝે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યા પછી પહેલી વખત માત્ર ૩૩ ટકા લોકપ્રિયતા મેળવી છે. આની સામે લેબર પાર્ટીએ ૩૫ ટકા લોકપ્રિયતા મેળવી છે. જાન્યુઆરીના પોલમાં લેબર પાર્ટીને ૪૧ ટકા મત મળ્યા હતા તેના કરતાં સપ્ટેમ્બરમાં ઓછાં મત મળ્યા છે.
જાન્યુઆરી પછી પ્રથમ વખત ઓપિનિયન પોલમાં લેબર પાર્ટીએ ટોરી પાર્ટી સામે સરસાઈ પ્રાપ્ત કરી છે. YouGov દ્વારા યોજાયેલા સર્વેમાં કેર સ્ટાર્મરની પાર્ટીને ૩૫ ટકા, બોરિસ જ્હોન્સનની પાર્ટીને ૩૩ ટકા મત મળ્યા હતા. ટોરી પાર્ટી માટે સામાન્ય ચૂંટણી પછી આ સૌથી ખરાબ પોલ બની રહ્યો હતો.
વડા પ્રધાને નેશનલ ઈન્સ્યુરન્સ ટેક્સ ૧૨ ટકાથી વધારી ૧૩.૨૫ ટકા કરવાની જાહેરાત કર્યા પછી બુધવાર અને ગુરુવારે (૮ અને ૯ સપ્ટેમ્બર) ઓપિનિયન પોલ લેવાયો હતો. ચૂંટણીવચનનો ભંગ કરી મેળવાનારું વાર્ષિક ૧૨ બિલિયન પાઉન્ડનું ભંડોળ સોશિયલ કેર કટોકટીને સુધારશે એટલું જ નહિ, NHSના કોવિડ બેકલોગને ઘટાડવાની પણ ચૂકવણી કરશે તેવો દાવો જ્હોન્સને કર્યો છે. વડા પ્રધાન જ્હોન્સને કોઈ કેર રેસિડેન્ટે પોતાનું ઘર વેચવું નહિ પડે તે વચનનો ભંગ કરવા ઉપરાંત, એક વર્ષ માટે પેન્શનના ટ્રિપલ લોકને રદ કરી ત્રીજો વચનભંગ પણ કર્યો હતો.
ઓપિનિયન પોલમાં ૧,૬૫૭ નાગરિકોનો મત લેવાયો હતો જેમાં લિબ ડેમ્સને ૧૦ ટકા, ગ્રીન્સને ૯ ટકા, રીફોર્મ યુકે અને SNPને ૫-૫ ટકા તથા પ્લેઈડ સીમરુને ૧ ટકા મત મળ્યા હતા. મોટા ભાગનો સપોર્ટ લેબર પાર્ટીને મળવાના બદલે અન્ય પક્ષો તરફ ગયો હતો.


