લંડનઃ ટેક્સી ડ્રાઈવર્સ સામે ચેકિંગ કરવાના બકિંગહામશાયરની મિલ્ટન કીન્સ કાઉન્સિલના ટેક્સી લાયસન્સિંગ અધિકારીઓ અને પોલીસના સંયુક્ત અભિયાનને ‘ઓપરેશન ઈન્ડિયા’ નામ અપાયાથી ભારે રોષ ફેલાયો છે. આ યોજનાનું રંગભેદી લેબલિંગ કરાયાનો પણ આક્ષેપ થયો છે. બીજી તરફ, કાઉન્સિલરો અને ટેક્સી કોમ્યુનિટીએ આ યોજનાનું નામ રંગભેદને અસંવેદનશીલ હોવાનું જણાવ્યું છે.
કાઉન્સિલર મોહમ્મદ ખાને જણાવ્યું છે કે,‘આ યોજનાના નામનો પુનઃવિચાર થવો જોઈએ, લોકો રોષે ભરાશે અને તેનાથી વંશીય લઘુમતીઓ વિશે સારો સંકેત જતો નથી. તેનાથી લોકો સલામત રીતે ઘેર પહોંચે તે માટે લાંબા કલાકો સુધી મહેનત કરતા તમામ ભારતીય ટેક્સી ડ્રાઈવરો પર દોષારોપણ થાય છે.’ મિલ્ટન કીન્સમાં ૧૨ વર્ષથી કામ કરતા એક ટેક્સી માલિકે જણાવ્યું હતું કે,‘અમારી ટેક્સીઓ કાયદેસર અને સુરક્ષિત છે તેની તપાસ કરાવા સામે જરા પણ વાંધો નથી પરંતુ, ઓપરેશનને ‘ઈન્ડિયા’ નામ અપાય તે યોગ્ય નથી. આ તો ક્રિમિનલ ડ્રાઈવરો ભારતીય જ હોવાની છાપ ઉભી થાય છે.
મિલ્ટન કીન્સ ઈક્વલિટી કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ નાવરિતા અટવાલે પણ આ નામને ગેરમાર્ગે દોરનારું ગણાવ્યું છે. જોકે, કાઉન્સિલ સત્તાવાળાએ ‘ઓપરેશન ઈન્ડિયા’ નામ જરા પણ વાંધાજનક નથી તેવો બચાવ કર્યો છે.