ટેરરિઝમ ડેટાબેઝમાં ૮,૦૦૦ શકમંદોની માહિતી

Wednesday 23rd March 2016 07:29 EDT
 
 

લંડનઃ પોલીસના કાઉન્ટર ટેરરિઝમ ડેટાબેઝમાં લગભગ ૮૦૦૦ લોકોની ફિંગરપ્રિન્ટસ અને ડીએનએ પ્રોફાઈલ્સ છે.પરંતુ, તેમાંથી ૪૩૫૦ શકમંદોની ધરપકડ કરાયા બાદ તેમના પર કોઈ ચાર્જ લગાવાયો ન હોવાથી બહાર જ છે. એલેસ્ટર મેકગ્રેગર QCના વાર્ષિક અહેવાલ મુજબ ગુનેગારો અને શકમંદોની કુલ સંખ્યા ઓક્ટોબર ૨૦૧૩માં ૬૫૦૦ હતી તે ગયા વર્ષે ઓક્ટોબરના અંતે વધીને ૭૮૦૦ થઈ હતી. કુલ સંખ્યામાં શકમંદોની સંખ્યા ૨૦૧૩માં ૩૮૦૦ હતી તે વધીને ૪૩૫૦ થઈ હતી.

છેલ્લાં ૧૦ વર્ષથી બે ડેટાબેઝ જાળવવામાં આવે છે, જેમાં ડીએનએ પ્રોફાઈલ્સ અને ગુનાના સ્થળેથી મળેલા લોહીના નિશાન તથા ત્રાસવાદ સંબંધિત ફિંગરપ્રિન્ટસ અને ઘટના સ્થળેથી પ્રાપ્ત ફિંગરપ્રિન્ટસનો સમાવેશ થાય છે. સામાન્ય સંજોગોમાં બાયોમેટ્રિક્સનો નાશ કરાય છે, પરંતુ પોલીસ ઓફિસરો દ્વારા નેશનલ સિક્યુરિટી ડીટરમિનેશન મુજબ પ્રોફાઈલ્સ અને ફિંગરપ્રિન્ટસને બે વર્ષ સુધી જાળવી રખાશે.

કાઉન્ટર ટેરરિઝમ વિભાગ અનુસાર મોટા ભાગના શકમંદો ઈસ્લામવાદી હતા અને ઉત્તર આયર્લેન્ડના લોકોની સંખ્યા પણ નોંધપાત્ર હતી. આ ડેટાબેઝમાં સીરિયા જતા અટકાવાયેલા સંભવિત જેહાદીઓનો પણ સમાવેશ થાય છે. પુરાવાના અભાવે તેમના પર કોઈ આરોપ મૂકાયો નહોતો. આ યાદી સિક્યુરિટી સર્વિસીસની સતત દેખરેખ હેઠળના ૩૦૦૦ આતંકવાદીઓની યાદીથી અલગ છે. સપ્ટેમ્બરમાં MI5ના વડા એન્ડ્રયુ પાર્કરે જણાવ્યું હતું કે બ્રિટનમાં જન્મેલા અને ઉછરેલા જેહાદીઓનું સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે.

મેકગ્રેગરના અહેવાલ મુજબ પોલીસ માહિતી રાખવા માગે છે કે કેમ તેનો નિર્ણય લે તે પહેલાં ૪૫ શકમંદ આતંકીનો ડેટા કાઢી નંખાયો હતો. કાયદા મુજબ ચાર્જ ન લગાવાયો હોય તેવા શકમંદ અંગેની સામગ્રીનો છ મહિનામાં નાશ કરવાનો રહે છે. સિનીયર પોલીસ ઓફિસરો તેનો ડેટા શરૂઆતમાં બે વર્ષ માટે અને તે પછી વધુ બે વર્ષ જાળવી રાખવા માટે અરજી કરી શકે છે. ૪૫ કિસ્સામાં પોલીસ આ માહિતી જાળવી રાખવાનું કહી શકી હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter