લંડનઃ શ્રોપશાયર કાઉન્ટી સ્થિત ટેલફોર્ડ શહેરમાં શીખ બસ ચાલક પર કથિત રીતે હુમલો કરી બસની લૂંટ ચલાવવામાં આવી હતી. આ સિવાય લૂંટાયેલી બસને રોંગ સાઇડમાં હંકારીને અનેક વાહનોને પણ અડફેટે લેવામાં આવ્યા હતા. વેસ્ટ મર્સિયા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 20 વર્ષીય યુવકની લૂંટ અને જોખમી ડ્રાઇવિંગના શંકાસ્પદ આરોપ હેઠળ ધરપકડ કરી છે. હુમલા દરમિયાન આરોપીએ ચાલકને બસમાંથી બહાર ફેંકી દીધો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પેરામેડિકલ ટીમે ઇજાગ્રસ્ત બસ ચાલકને પ્રાથમિક સારવાર આપી હતી. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થઈ નથી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પંજાબી અને શીખ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ સંગઠનો અને અગ્રણી નેતાઓએ આ કથિત હેટ ક્રાઇમની સખત શબ્દોમાં નિંદા કરીને આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.


