ટેલિકોમ કંપનીઓ દ્વારા ગ્રાહકોની ઉઘાડી લૂટ

ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે ટેલિકોમ કંપનીઓ સામે તપાસનો પ્રારંભ

Wednesday 14th September 2022 05:36 EDT
 

લંડન

બ્રિટનની એડવર્ટાઇઝિંગ વોચડોગ સંસ્થાએ ટેલિફોનના બિલમાં તોતિંગ વધારા માટે ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી હોવાની શંકાથી તપાસ શરૂ કરી છે. એકતરફ ટેલિકોમ કંપનીઓ તેમની જાહેરાતોમાં અઢળક નાણા ખર્ચી રહી છે અને બીજીતરફ ગ્રાહકોને મસમોટા બિલ પકડાવી રહી છે. વાર્ષિક અબજો પાઉન્ડની કમાણી કરી રહેલી ટેલિકોમ કંપનીઓ કોન્ટ્રાક્ટ પીરિયડમાં અધવચ્ચેથી જ મોબાઇલ અને બ્રોડબેન્ડના બિલોમાં ભાવવધારો ઝીંકી રહી છે જેના કારણે મોંઘવારીનો સામનો કરી રહેલા પરિવારોના ટેલિફોન બિલ પણ આકરાં બની રહ્યાં છે. બ્રિટનમાં જાહેરાતકારો દ્વારા અપાતી જાહેરાતોનું નિયમન કરતી સંસ્થા કમિટીઝ ઓફ એડવર્ટાઇઝિંગ પ્રેકટિસે ટેલિકોમ કંપનીઓ દ્વારા તેમની જાહેરાતોમાં તોળાઇ રહેલા ભાવવધારા અંગે ગ્રાહકોને સ્પષ્ટ માહિતી આપવામાં આવે છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે. ફુગાવાના વધી રહેલા દરના કારણે ઘણી ટેલિકોમ કંપનીઓ તેમના દરમાં વાર્ષિક ધોરણે વધારો કરી રહી છે. તેનો અર્થ એ થયો કે કરોડો ટેલિફોન અને બ્રોડબેન્ડધારક ગ્રાહકોના બિલમાં 20 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. તેના કારણે ગ્રાહકો માટે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ વધુ મુશ્કેલ બની રહી છે. તેમાં પણ સૌથી વધુ અસર ઓછી આવક ધરાવતા પરિવારો પર થઇ રહી છે. કમિટીએ જણાવ્યું છે કે ટેલિકોમ કંપનીઓએ તેમની જાહેરાતોમાં ગ્રાહકોને તેમને કોન્ટ્રાક્ટ અંતર્ગત કેટલું બિલ ચૂકવવાનું આવશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઇએ. ટેલિકોમ કંપનીઓ દ્વારા અપાતી ગેરમાર્ગે દોરતી જાહેરાતોની ચકાસણી અત્યંત જટિલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter