લંડનઃ ટેલિકોમ પ્રોવાઈડર્સ પાસેથી લોકોના કોમ્યુનિકેશન્સ ડેટા મેળવવા માટે સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ સર્વિસીસે આગોતરી સ્વતંત્ર મંજૂરી મેળવવી જરૂરી છે તેવો ચુકાદો હાઈ કોર્ટે સિવિલ રાઈટ્સ કેમ્પેઈન ગ્રૂપ લિબર્ટીના કેસમાં આપ્યો છે.
લોર્ડ જસ્ટિસ સિંહ અને લોર્ડ જસ્ટિસ હોલગેટે 24 જૂન શુક્રવારે ચુકાદામાં જણાવ્યું હતું કે ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન્સ દરમિયાન આગોતરી સ્વતંત્ર મંજૂરી વિના ટેલિકોમ પ્રોવાઈડર્સ પાસેથી વ્યક્તિઓના કોમ્યુનિકેશન્સ ડેટા મેળવવાનું MI5, MI6 અને GCHQ માટે ગેરકાનૂની છે. કોર્ટે સંમતિ દર્શાવી હતી કે સિક્યુરિટી સર્વિસીસ માટે આપણા ડેટા હસ્તગત કરવાનું ઘણું સહેલું છે. હવેથી અપરાધની તપાસ કરતી વેળાએ MI5, MI6 અને GCHQએ આપણા કોમ્યુનિકેશન્સ ડેટા મેળવવા માટે આગોતરી સ્વતંત્ર મંજૂરી મેળવવી જોઈશે. લિબર્ટી ગ્રૂપે 2016ના ઈન્વેસ્ટિગેટરી પાવર્સ એક્ટની જોગવાઈઓ સામે હોમ ઓફિસ અને ફોરેન ઓફિસ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી હતી.
સિવિલ રાઈટ્સ કેમ્પેઈન ગ્રૂપ લિબર્ટીના લોયર મેગન ગોલ્ડિંગે કહ્યું હતું કે આ ચુકાદો સામૂહિક જાસૂસી- સર્વેલન્સ સામેની લડાઈમાં મોટો વિજય છે. લિબર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જજ અથવા ઓફિસ ફોર કોમ્યુનિકેશન્સ ડેટા ઓથોરાઈઝેશન્સ પાસેથી સ્વતંત્ર મંજૂરી મેળવી શકાય છે.
લિબર્ટી ગ્રૂપે દલીલ કરી હતી કે ઈન્વેસ્ટિગેટરી પાવર્સ એક્ટની જોગવાઈઓ કોમ્યુનિકેશન્સ ડેટા મેળવવા સ્વતંત્ર ઓથોરાઈઝેશનની જરૂરિયાત સાથે બંધબેસતી નથી. મિનિસ્ટર્સ વતી વકીલોએ લિબર્ટી ગ્રૂપની દલીલોનો વિરોધ કર્યો હતો પરંતુ, જજીસે ફરિયાદીની તરફેણ કરતા કહ્યું હતું કે તેમના ચુકાદાનો અર્થ એ છે કે સિક્યુરિટી સર્વિસીસે પોલીસની માફક જ સમાન જરૂરિયાતો અનુસાર કામ કરવાનું રહેશે.


