ટેસ્ટ ફ્રોડના આરોપમાંથી મુક્ત થવા વિદેશી વિદ્યાર્થીઓ કાયદા અને ટી.વી.ને શરણે

ઇંગ્લિશની ટેસ્ટમાં છેતરપિંડીના આરોપ બાદ 35,000 વિદ્યાર્થીના વિઝા રદ કરાયાં હતાં

Tuesday 20th February 2024 12:14 EST
 

લંડનઃ હોમ ઓફિસ દ્વારા અંગ્રેજીની પરીક્ષામાં છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહેલા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ હવે ટેલિવિઝનના માધ્યમથી પોતાની પીડા રજૂ કરવાની તૈયારી કરી રહ્યાં છે. તેમને આ પ્રેરણા આઇટીવી દ્વારા રજૂ કરાયેલ ટીવી પ્રોગ્રામ મિસ્ટર બેટ્સ વર્સિસ પોસ્ટઓફિસ પરથી મળી છે. પોતાને ખોટી રીતે દોષી ઠેરવાયાનો આરોપ મૂકતાં વિદ્યાર્થીઓના એક જૂથે હોમ ઓફિસ સામે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરીને વળતરની માગ કરી છે.

અંગ્રેજીની પરીક્ષામાં છેતરપિંડી આચરવાના આરોપ સર યુકેમાંથી હાંકી કઢાયેલા હજારો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હવે આ આરોપમુક્ત થવા માટે કાયદાકીય પગલાંની વિચારણા કરી રહ્યાં છે. ટેસ્ટ સેન્ટરો ખાતે વ્યાપક છેતરપિંડી આચરાઇ હોવાનું બીબીસીની તપાસમાં બહાર આવ્યા બાદ 10 વર્ષ પહેલાં 35000 ઇન્ટરનેશનલ સ્ટુડન્ટના વિઝા રદ કરી દેવાયાં હતાં. ટેસ્ટ લેનારી કંપની ઇટીએસે એક તારણ આપ્યું હતું કે, 2011 અને 2014 વચ્ચે લેવાયેલી 97 ટકા પરીક્ષા શંકાસ્પદ હતી જેના પગલે હોમ ઓફિસે 35000 સ્ટુડન્ટ વિઝા રદ કરી દીધાં હતાં. તેમાંથી 2500 વિદ્યાર્થીને દેશનિકાલ કરાયાં હતાં જ્યારે 7200 વિદ્યાર્થી જાતે જ દેશ છોડી ગયાં હતાં. અન્ય વિદ્યાર્થીઓએ અભ્યાસ પડતો મૂક્યો હતો.

હવે હજારો વિદ્યાર્થીઓ આરોપ મૂકી રહ્યાં છે કે તેમના પર ખોટા આરોપ મૂકાયા હતા અને તેમની વિરુદ્ધના પુરાવા ખામીયુક્ત છે. અત્યાર સુધીમાં 3600 વિદ્યાર્થી હોમ ઓફિસ સામેની અપીલ જીતી ચૂક્યાં છે. ટેસ્ટ કેસ પર અપર ઇમિગ્રેશન ટ્રિબ્યુનલમાં ડિસેમ્બરમાં સુનાવણી કરાઇ હતી અને હવે તેનો ચુકાદો ટૂંકસમયમાં આવે તેવી સંભાવના છે. સુનાવણીમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલાક ટેસ્ટ સેન્ટર દ્વારા ગેરરિતી આચરવામાં આવી હતી પરંતુ ઘણા વિદ્યાર્થીઓને આ ફ્રોડ અંગે જાણ નહોતી.

ઇસ્ટ હામના લેબર સાંસદ સ્ટિફન ટીમ્સ કહે છે કે હજારો વિદ્યાર્થીઓ પર છેતરપિંડીના ખોટા આરોપ મૂકાયાં હતાં. તેના કારણે તેમને નાણા અને વિઝા ગુમાવવાનો વારો આવ્યો હતો. કેટલાંક વિદ્યાર્થી તો 10 વર્ષ પછી પણ આરોપમુક્ત થવા માટે કાનૂની જંગ લડી રહ્યાં છે. ઘણા વિદ્યાર્થીને ડિગ્રી આપવાનો ઇનકાર કરી દેવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter