ટોરી, લેબર અને લિબ ડેમ પાર્ટીએ પણ ફર્લો સ્ટાફ માટે ક્લેઈમ્સ કર્યા

Thursday 10th September 2020 01:36 EDT
 

લંડનઃ સરકારની ફર્લો સ્કીમ હેઠળ પોતાના સ્ટાફને વેતન આપવાનો લાભ કન્ઝર્વેટિવ, લેબર અને લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીઓએ પણ લીધો છે. ઈલેક્ટોરલ કમિશન દ્વારા જાહેર આંકડા અનુસાર પક્ષોએ ૨૫૦,૦૦૦ પાઉન્ડથી વધુના ક્લેઈમ્સ કર્યા છે. એપ્રિલ અને જૂન મહિનાઓ દરમિયાન ટોરી પાર્ટીએ ૭૦,૧૬૪ પાઉન્ડ, લેબર પાર્ટીએ ૯,૯૧૪ પાઉન્ડ અને લિબરલ ડેમોક્રેટ્સે સૌથી વધુ ૧૭૮,૯૦૭ પાઉન્ડના ક્લેઈમ કર્યા હતા. ફર્લો પર રખાયેલા કર્મચારીના વેતનના ૮૦ ટકા સુધી નાણા સરકાર દ્વારા ચૂકવાયા છે.

આ મુદ્દે કન્ઝર્વેટિવ્ઝ દ્વારા કહેવાયું છે કે તેમણે હેડ ક્વાર્ટર્સ પરના સ્ટાફને ફર્લો પર મોકલ્યો નથી અને આ ક્લેઈમ્સ લોકલ એસોસિયેશન્સ દ્વારા કરાયા છે. લિબરલ ડેમોક્રેટ્સે કોરોના મહામારીના કારણે તેમના હેડ ક્વાર્ટર્સ પરના લગભગ અડધા સ્ટાફને ફર્લો પર મોકલ્યો હતો.

બીજી તરફ, પાર્ટીઓને મળતાં દાનમાં પણ ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે રાજકીય પક્ષોને ૧૬ મિલિયન પાઉન્ડ ડોનેશન તરીકે પ્રાપ્ત થયા હતા તેની સરખામણીએ આ ગાળામાં ૯ મિલિયન પાઉન્ડનું ડોનેશન મળેલું છે. મહામારીના સમયમાં રાજકીય પક્ષો ડોનેશન્સ મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે. લેબર પાર્ટીને મુખ્યત્વે ટ્રેડ યુનિયન્સ પાસેથી રકમો સાથે કુલ ૩.૭ મિલિયન પાઉન્ડનું ડોનેશન મળેલું છે, જે ટોરી પાર્ટી કરતાં વધુ છે. ટોરીઝને ૨.૫ મિલિયન પાઉન્ડ અને લિબરલ ડેમોક્રેટ્સને ૧.૩ મિલિયન પાઉન્ડ ડોનેશન મળ્યું હતું.

સૌથી મોટું ૫૦૦,૦૦૦ પાઉન્ડનું વ્યક્તિગત ડોનેશન લિબરલ ડેમોક્રેટ્સને મોન્ડ્રિઆન ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સના એક્ઝિક્યુટિવ ચેરમેન ડેવિડ ટિલ્સ પાસેથી મળ્યું છે. લેબર પાર્ટીને યુનિસેન પાસેથી ૨૯૧,૫૭૫ પાઉન્ડ, GMB પાસેથી ૨૯૦,૧૨૫ પાઉન્ડ અને Usdaw પાસેથી ૫૩૦,૦૦૦ પાઉન્ડ મળ્યા હતા. કન્ઝર્વેટિવ્ઝને રેન કિચન્સના માલિક માલ્કોમ હીલી પાસેથી ૨૫૦,૦૦૦ પાઉન્ડ અને હેજ ફંડ મેનેજર જ્હોન આર્મિટેજ પાસેથી ૧૦૦,૦૦૦ પાઉન્ડ દાનમાં મળ્યા છે. ટોરીઝને પ્રોપર્ટી ડેવલપર્સ પાસેથી પણ દાનમાં ૨૭૯,૦૦૦ પાઉન્ડ મળેલાં છે. આ વર્ષે કોરોના વાઈરસના ફેલાવાના ભયથી બધા રાજકીય પક્ષો વર્ચ્યુઅલ-ઓનલાઈન કોન્ફરન્સીસ યોજવાના છે. ટોરી પાર્ટીએ કોન્ફરન્સ માટે ૬,૦૦૦થી ૨૫,૫૦૦ પાઉન્ડ સુધીની કિંમતે વર્ચ્યુઅલ સ્ટોલ્સની ઓફર રાખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter