લંડનઃ યુકેના બે મુખ્ય રાજકીય પક્ષો ટોરી અને લેબર પાર્ટીએ તાજા ઓપિનિયન પોલમાં એકસરખા ૪૧ ટકા મત મેળવ્યા છે. કન્ઝર્વેટિવ સરકારમાં ચાલતા વિખવાદ અને સરકારની મુશ્કેલીઓનો લાભ લેવામાં જેરેમી કોર્બીન અને લેબર પાર્ટી નિષ્ફળ રહી છે. સપ્ટેમ્બર પછી સતત પાંચ પોલ્સમાં શાસક અને વિપક્ષનો રેન્ક સરખો રહ્યો છે.
ડાઉનિંગ સ્ટ્રીટ માટે ICMનો આ પોલ પ્રોત્સાહક રહ્યો છે કારણકે બે પ્રધાનોના કેબિનેટમાંથી રાજીનામાં પછી થેરેસા મેને ટેકામાં મતદારોએ પીછેહઠ કરી હોય તેમ જણાતું નથી. ટોરી અને લેબર પાર્ટી ત્રણ સપ્તાહ અગાઉના પોલ્સની સરખામણીએ એક પોઈન્ટ નીચે ઉતરી છે. પ્રીતિ પટેલના રાજીનામા પછી શુક્રવાર અને રવિવારની વચ્ચે ૨૦૧૦ પુખ્ત લોકોના લેવાયેલા આ પોલ્સમાં લિબરલ ડેમોક્રેટ્સને સાત ટકા, Ukipને ચાર ટકા અને ગ્રીન પાર્ટીને બે ટકા મત મળ્યા છે.

