ટોરી કાર્યકાળમાં જામીન પર મુક્ત કરાયેલા આરોપીઓએ 9 લાખ અપરાધો આચર્યાં

2022માં સુનાવણીમાં વિલંબને કારણે મોટી સંખ્યામાં હત્યાના આરોપી જામીન પર છૂટ્યા

Wednesday 11th January 2023 06:11 EST
 
 

લંડન

કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાં આવ્યા બાદઇંગ્લેન્ડ અને વેલ્સમાં જામીન પર છૂટેલા આરોપીઓ દ્વારા હત્યા, અપહરણ, બાળકો પર બળાત્કાર સહિતના 9 લાખ જેટલા અપરાધો આચરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર અગાઉ કરેલા અપરાધની સુનાવણીની રાહ જોઇ રહેલા અને જામીન પર કસ્ટડીમાંથી મુક્ત કરાયેલા આરોપીઓ દ્વારા 20,000 કરતાં વધુ અપરાધ કરાયાં છે તેનો અર્થ એ થયો કે જામીન પર છૂટેલા લોકો દ્વારા પ્રતિ દિન 55 અપરાધ આચરવામાં આવ્યાં હતાં. 2010થી અત્યાર સુધીમાં જામીન પર મુક્ત કરાયેલા આરોપીઓ દ્વારા 7200 કરતાં વધુ બળાત્કારના અપરાધ આચરવામાં આવ્યા હતાં. 2021માં આ પ્રકારના આરોપીઓ દ્વારા 260 બળાત્કાર કરાયાં હતાં.

લેબર પાર્ટી દ્વારા સંસદમાં પૂછાયેલા સવાલના જવાબમાં મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ દ્વારા આ આંકડા જારી કરાયાં હતાં. લેબર પાર્ટી દ્વારા લંડન પ્રોબેશન સર્વિસની કામગીરીની સમીક્ષા શરૂ કરાઇ છે. આ આંકડાઓએ લેબર પાર્ટીના હાથમાં એક મુદ્દો આપી દીધો છે. પાર્ટી જનતાને એવો સંદેશ આપી રહી છે કે દેશમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી લેબર પાર્ટી સિવાય કોઇ કરી શકે તેમ નથી.

લેબર પાર્ટીના શેડો જસ્ટિસ સેક્રેટરી સ્ટીવ રીડે જણાવ્યું હતું કે, ખતરનાક અપરાધીઓને સડકો પર ખુલ્લેઆમ ફરતાં મૂકી શકાય નહીં. લેબર કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતી પાર્ટી છે. અમે કોર્ટમાં પડતર કેસોના નિકાલ માટે વધુ વકીલોની નિયુક્ત કરીશું. અમે ક્રાઇમને અટકાવીશું, અપરાધીઓને સજા કરીશું અને સમાજને સુરક્ષિત રાખીશું.

ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં વિલંબને કારણે 2022માં મોટી સંખ્યામાં હત્યાના આરોપીઓને જામીન પર મુક્ત કરવાની ફરજ પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter